જી. કે. જન. અદાણી હોસ્પિ.ના તબીબોએ “આંતરાષ્ટ્રીય વૃદ્ધજન દિન” નિમિતે વડીલોને આપી હેલ્થ ટિપ્સ

જેમ ઉંમર વધે તેમ  શારીરિક પરેશાની પણ વધે છે, ત્યારે મોટી ઉંમરે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે. સૌપ્રથમ તો કેવું, કેટલું ભોજન કરવું તેમજ ક્યારે ભોજન ઉપર નિયંત્રણ રાખવું એ બાબતની કાળજી રાખવાની હોય છે.મોટી વયે માંસપેશીઓની રચનામાં પણ બદલાવ આવતો હોવાથી ભોજનની વિશેષ સંભાળ લેવાની હોય છે.

જી.કે. જનરલ અદાણી હોસ્પિટલના વિવિધ વિભાગોના તબીબોએ ૧લી ઓકટો.”આંતરરાષ્ટ્રીય વૃદ્ધજન દિન” નિમિતે કહ્યું કે, તળેલા અને મિષ્ટ ભોજન ઉપર વધતી ઉંમરે નિયંત્રણ જરૂરી છે, જેથી કોલેસ્ટ્રોલ વધે નહી. ખાસ કરીને મોટી ઉંમરે પ્રોટીનની જરૂર હોય છે. આ ઉપરાંત કાર્બોહાઇડ્રેટ અને લો ફેટ ને વિટામિન પણ શરીર માટે જરૂરી બને છે.

તબીબોના જણાવ્યા મુજબ સમય સમયે શરીરની તપાસ કરાવતા રહેવું જોઈએ. કોઈ દવા જાતે યા કોઈના કહેવા પ્રમાણે લેવાનું ટાળવું જોઈએ, જેથી શરીરના અંગોને નુકસાન ન થાય. સાથે સાથે આંખ અને કાનની ખાસ ચકાસણી કરાવવી પણ એટલી જ આવશ્યક બને છે. જો ડાયાબિટીસ હોય તો આંખની નિયમિત તપાસણી થાય એ આવશ્યક છે કારણ કે મોટી ઉંમરે મોતિયાનું જોખમ વધી જતું હોય છે.

જેમ શરીર મોટું થાય તેમ હાડકામાં ઘસારો પણ વધે છે, તેથી વૃદ્ધજનોએ બાથરૂમમાં જવા આવા દરમિયાન વિશેષ કાળજી રાખવી જોઈએ. તેમાં ય જો સાંધાની સમસ્યા હોય તો સંભાળ રાખવાની આવશ્યકતા વધી જાય છે. સાંધાની તકલીફમાં ચાલતી વખતે પડી ન જવાય તે માટે લાકડીનો ટેકો પણ લેતા રહેવું જોઈએ. અન્યથા હાડકા ભાંગી જાય તો યોગ્ય રીતે મોટી ઉંમરે  જોડાઈ ન શકે. જો કમર દર્દ હોય તો યોગ, વ્યાયામ કરાય તો માંસપેશી મજબૂત બની શકે છે. જો કે યોગ, વ્યાયામ ઉમર પ્રમાણે કરવા તબીબની સલાહ લેવી જરૂરી બને છે.

આ ઉપરાંત હાલવા ચાલવામાં શ્વાસ ચડે છાતી દુખે તો નિષ્ણાત પાસે ચકાસણી કરાવી, હૃદયની સમસ્યા નથી ને તે સુનિશ્ચિત કરી લેવું.જે મોટી ઉંમરે ખૂબ જરૂરી બને છે.

સૌથી મહત્વની બાબત એ હોય છે કે,મોટી ઉંમરે યાદદાસ્ત ઘટી જતી હોય છે, તેથી મનોચિકિત્સકને મળી દિમાગી ક્ષમતા વધારવા દવા લેવી અથવા દિમાગી કસરત કરવી. જો ભૂલવાની વધુ બીમારી હોય તો પરીક્ષણ કરાવી ડિમેન્સિયા જેવા કોઈ લક્ષણ દેખાય તો નજર અંદાજ કરવાને બદલે તબીબો સાથે પરામર્શ કરી યોગ્ય સારવાર લેવી જોઈએ.

શારીરિક આરોગ્ય સાથે સામાજિક સ્વાસ્થ્ય પણ વડીલો માટે એટલું જ જરૂરી છે. સામાજિક આરોગ્ય માટે  સમાજની પણ એટલી જ ફરજ બને છે કે વડીલોનું માન,મરતબો, મોભો જળવાય.  વડીલો સમાજના અભિન્ન અંગ અને વિશેષ વ્યક્તિઓ છે,તેવો અહેસાસ સમાજે અને કુટુંબે વડીલોને કરાવવો પડશે.તો જ તેઓ જીવનનો ખરો આનંદ માણશે.

Leave a comment