ગુજરાતના ગૌરવ સમાન એશિયાઈ સિંહ વર્ષોથી એશિયા ખંડમાં માત્ર સૌરાષ્ટ્રના ગીર વિસ્તારમાં જ વસવાટ કરતા જોવા મળે છે. આ સિંહો તેમજ વન્ય પ્રાણીઓના સંવર્ધન માટે કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા ટેક્નોલોજીની મદદથી સાત વિવિધ નવા પ્રકલ્પો હાથ ધરાયા છે. રાજ્ય સરકારના વિશેષ પ્રયાસોથી ગીર રક્ષિત વિસ્તારના આજુબાજુનો કુલ 1,84,466.20 હેક્ટર વિસ્તારને ‘ઇકો-સેન્સિટિવ ઝોન’ જાહેર કરવા માટે પ્રાથમિક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ અભયારણ્યથી જાહેર થયેલ ઇકો-સેન્સિટિવ ઝોન વિસ્તારનું અંતર બાબતે સૌથી ઓછામાં ઓછુ 2.78 કિ.મી. અને વધુમાં વધુ 9.50 કિ.મી. રાખવામાં આવ્યું છે.
કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતમાં જોવા મળતા એશિયાઈ સિંહ સહિત દેશભરમાં પ્રાણીઓના રક્ષણ અને સંવર્ધન માટે વિવિધ કાયદા અમલી બનાવાયા છે. જે વિશે વધુ માહિતી આપતા વનમંત્રી મુળુભાઈએ જણાવ્યું કે, નવીન ઇકો-સેન્સિટિવ ઝોન વિસ્તારમાં કુલ 17 નદીઓના રીવર કોરિડોર અને સિંહોના અવર-જવરવાળા 4 મહત્વના કોરિડોરને આવરી લેવામાં આવશે. વધુમાં ગીર રક્ષિત વિસ્તારની આજુબાજુ જૂનાગઢ જિલ્લાના જૂનાગઢ, વિસાવદર, માળીયા હાટીના અને મેંદરડા તાલુકાના મળી કુલ-59 ગામોનો સમાવેશ કરવામાં આવશે. આ સિવાય અમરેલી જિલ્લાના ધારી, ખાંભા અને સાવરકુંડલા તાલુકાના મળી કુલ-72 ગામો તથા ગીર-સોમનાથ જિલ્લાના ઉના, ગીર-સોમનાથ, કોડીનાર અને તાલાલા તાલુકાના મળી કુલ-65 ગામોનો સમાવેશ કરવામાં આવશે. આમ ત્રણેય જિલ્લાના કુલ 196 ગામોના 24,680.32 હેક્ટર વન વિસ્તાર તથા 1,59,785.88 હેક્ટર બિન-જંગલ વિસ્તાર મળીને કુલ 1,84,466.20 હેક્ટર વિસ્તારનો સમાવેશ થશે. આ વિસ્તારનો ઇકો-સેન્સિટિવ ઝોનમાં સમાવેશ થવાથી આ વિસ્તારમાં વિહરતા સિંહ પરિવારોને વિશેષ રક્ષણની સાથે અત્યાર સુધી ગીર રક્ષિત વિસ્તારની હદથી 10 કિલોમીટરનો ઇકો-સેન્સિટિવ ઝોન વિસ્તારની હદમાં આ નવા ઇકો-સેન્સિટિવ ઝોનમાં ઘટાડો થવાથી સ્થાનિકે અન્ય વિકાસલક્ષી પ્રવૃત્તિઓને વધુ વેગ મળશે.
