GST હેઠળ નોંધાયેલ લગભગ 10,700 નકલી કંપનીઓનો પર્દાફાશ

જીએસટી  હેઠળ નોંધાયેલ લગભગ ૧૦,૭૦૦ નકલી કંપનીઓની નોંધણીઓ શોધી કાઢવામાં આવી છે, જેમાં રૂ. ૧૦,૧૭૯ કરોડની કરચોરી સામેલ છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સના સભ્ય શશાંક પ્રિયાએ જણાવ્યું હતું કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) રજીસ્ટ્રેશન માટે આધાર ઓથેન્ટિકેશન પહેલાથી જ ૧૨ રાજ્યોમાં અમલમાં છે અને ૪ ઓક્ટોબર સુધીમાં વધુ ચાર રાજ્યોમાં લંબાવવામાં આવશે.

આખરે મધ્યપ્રદેશ, રાજસ્થાન, આસામ, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને હરિયાણા સહિત ૨૦ રાજ્યો આધાર ઓથેન્ટિકેશન શરૂ કરશે. ‘એસોસિએટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ઓફ ઈન્ડિયા’ (એસોચેમ)ની એક ઈવેન્ટમાં બોલતા શશાંક પ્રિયાએ જણાવ્યું હતું કે ભવિષ્યમાં કર સત્તાવાળાઓ નવા કરદાતાઓ પર તેમના જોખમ ‘પ્રોફાઈલ’ના આધારે કેટલાક નિયંત્રણો લાદવામાં પણ સક્ષમ હશે.

જાણકાર સુત્રોએ જણાવ્યું હતું કે સરકાર નકલી જીએસટી નોંધણીઓને તપાસવા માટે લક્ષ્યાંકિત પગલાં લઈ રહી છે અને વધુ ભૌતિક ચકાસણી કરવામાં આવી રહી છે. ૧૬ ઓગસ્ટથી શરૂ થયેલ નકલી નોંધણી વિરુદ્ધનું બીજું અખિલ ભારતીય અભિયાન ૧૫ ઓક્ટોબર સુધી ચાલુ રહેશે.કર અધિકારીઓએ ૬૭,૯૭૦  ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ આઇડેન્ટિફિકેશન નંબર (GSTIN) ઓળખી કાઢયા છે. તેમાંથી ૫૯ ટકા અથવા ૩૯,૯૬૫ નંબર ૨૨ સપ્ટેમ્બર સુધી ચકાસવામાં આવ્યા છે. આમાંથી ૨૭ ટકા સંસ્થાઓ મળી આવી છે જે અસ્તિત્વમાં નથી. આ ટકાવારી લગભગ અગાઉની ઝુંબેશ જેટલી જ છે. અમે રૂ. ૧૦,૧૭૯ કરોડની કરચોરી શોધી કાઢી છે. ૨,૯૯૪ કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ અટકાવી દેવામાં આવી છે.

Leave a comment