અદાણી મેડિકલ કોલેજમાં ફાર્મોકોલોજી વિજિલન્સ સપ્તાહની ઉજવણી

જ્યારે દર્દીની સારવાર  થાય છે, ત્યારે કેટલાકને કોઈ દવા પ્રતિકૂળ અસર કરતી હોય છે તે વખતે  દર્દી જો તેની જાણ ડોક્ટર્સ, નર્સ, ફાર્મસિસ્ટને કરે તો ઉચ્ચસ્તરે જરૂરી પગલાં ભરી તે દવાની પ્રતિકૂળ અસર ઘટાડી શકાય છે, એમ અદાણી મેડિકલ કોલેજના ફાર્મોકોલોજી વિભાગ દ્વારા જણાવાયું છે.

ભારતમાં દર વર્ષે ૧૭મી થી ૨૩મી સપ્ટે.દરમિયાન દેશના ૯૭૬ ફાર્માકોલોજી વિજિલન્સ કેન્દ્રો પૈકી એક અદાણી મેડિકલ કોલેજમાં આવેલા કેન્દ્ર અંતર્ગત ઔષધિ સતર્કતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. મેડિકલ કોલેજના ફર્મોકોલોજી વિભાગ દ્વારા આ અઠવાડિયા દરમિયાન ડોક્ટર્સ અને હેલ્થકેર કર્મીઓ પાસેથી વર્ષ દરમિયાન દવાની વિપરીત અસરના પ્રતિભાવ મેળવવાની તાલીમ આપવામાં આવે છે. મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને પણ આ ક્ષેત્રે જાગૃત કરવામાં આવે છે.

મેડિકલ કોલેજના ફાર્મોકોલોજી વિભાગના એસો.પ્રોફ અને આ કાર્યક્રમના કોર્ડિંનેટર ડો.હિરલ ગોલકિયાએ જણાવ્યું હતું કે, દર્દીઓ પાસેથી મળતા દવાના દુષ્પ્રભાવની અસર એક નિર્ધારિત ફોર્મમાં વિગતો ભરી પ્રાદેશિક કેન્દ્ર અમદાવાદ મારફતે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ સ્થિત દવાની આડઅસર તપાસતી મોનીટરીંગ કમિટીને મોકલવામાં આવે છે.

આમ તો કોઈ પણ દવા દર્દીઓ માટે મૂકતા પહેલા તેના દુષ્પ્રભાવ  અસર  ચકાસવામાં આવે છે, પરંતુ  મોટા સમુદાય સુધી પહોંચી તેની અસર એકસાથે ચકાસવી મુશ્કેલ છે. પરંતુ દવાના ઉપભોક્તા જો જાતે જ દવાની આડ અસરનો  પ્રતિભાવ  આપે તો માનવજાતના કલ્યાણ માટે મોટું કામ કરી શકાય.

ફાર્મસીમાં દવાની વિપરીત અસર માટેના નિર્ધારિત ફોર્મ રાખવામાં આવે છે. આ ફોર્મ હોસ્પિટલના ફાર્મસી વિભાગમાં સરળતાથી મળી શકે છે. ઉપરાંત આ કાર્ય સંભાળતી સંસ્થા દ્વારા ટોલ ફ્રી નંબર અને એક એપ્લીકેશન પણ જારી કરવામાં આવી  છે. ટોલ ફ્રી નંબર 1800- 180- 3024(સવારે ૯.૦૦ થી સાંજે ૫.૦૦ સુધી) અને ADRPvPl એપ્લીકેશન દ્વારા દર્દી જાતે ડાઉન લોડ કરી શકશે અને મોબાઈલ દ્વારા જાણ કરી શકે છે.

Leave a comment