ટ્રેન ઉથલાવવાના ષડયંત્રને રોકવા પોલીસનો એક્શન પ્લાન

દક્ષિણ ગુજરાતમાં ટ્રેન ઉથલાવી પાડવાના રેકેટના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે. જે અંતર્ગત રાજ્ય હોય કે દેશની સુરક્ષા એજન્સીઓ તમામે પોતાની રીતે આરોપીઓને શોધવા અને સુરક્ષા કડક કરવા માટે પ્રયાસો હાથ ધર્યા છે. તેમાં હવે પોલીસે એક કદમ આગળ આવીને નવી યોજના ઘડી કાઢી છે અને તેમાં તેમણે રેલવે ટ્રેકની આસપાસ રહેતા લોકોની સાથે પોલીસે ભેગા મળીને વોટ્સએપ ગ્રુપ બનાવ્યા છે અને જેમાં તમામ પોતાના ઇનપુટ આપશે અને તેના આધારે કોઈપણ શકમંદ કે શંકાસ્પદ કામગીરીને તુરંત જ પકડી કે રોકી શકાશે. આ મામલે અમદાવાદ રેલવેના એસ.પી. બલરામ મીણાએ આ પ્રોજેક્ટ શરૂ કર્યો છે અને રાજ્યમાં આગામી સમયમાં રેલવે ટ્રેક અને કનેક્ટ તમામ લોકોને તેની સાથે જોડવાનો પ્રયાસ જિલ્લા પ્રમાણે કરવામાં આયોજન થઈ રહ્યું છે.

SP બલરામ મીણાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, કોઈ દુર્ઘટના ના બને તે માટે અમે કેટલાક સમયથી રેલવે ટ્રેકની આસપાસ રહેતા લોકો સાથે વોટસએપ ગ્રુપ દ્વારા સંપર્કમાં છીએ. સ્થાનિકોને કોઈ ગતિવિધિ શંકાસ્પદ લાગે તો અમને વોટ્સએપ ગ્રુપ દ્વારા જણાવવા જાણ કરી છે. અમદાવાદની હદને લગતી તમામ જગ્યાએ આ પ્રકારે સ્થાનિકોની મદદથી કોઈ દુર્ઘટના થતી હોય તો તે અટકાવવા અમે પ્રયત્ન કરી રહ્યા છીએ.

સુરતની ઘટનાથી રેલવે પોલીસ, રેલવે પ્રોટેક્શન ફોર્સ સહિતની ટીમો તેમજ કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. પેસેન્જરો સહીસલામ પોતાના મુકામ પર પહોંચી જાય અને ટ્રેન દુર્ઘટના બને નહીં તે માટે રેલવે પોલીસ સ્ટેશને ચેંકિંગ તેમજ પેટ્રોલિંગ વઘારી દીધું છે. માનવ વસ્તી ના હોય તેવી જગ્યાએથી પસાર થતા રેલવે ટ્રેક પર આરપીએફ, ગુજરાત પોલીસ તેમજ રેલવે ડિવિઝન દ્વારા સતત પેટ્રોલિંગ વધારી દેવાયું છે. ટ્રેન ઉથલાવીને હજારો પેસેન્જરો મોતને ભેટે તે માટેનું ખતરનાક ષંડયત્ર ચાલી રહ્યુ છે. જેને લઈને પોલીસ ટેન્શનમાં આવી ગઈ છે. ષંડયત્ર કરતા લોકો પોતાના ઇરાદા પાર પાડે નહીં તે માટે પોલીસ હવે કોમનમેનને પોતાની સાથે સામાન્ય લોકોને જોડીને ટીમ બનાવી છે.

પોલીસ દરેક જગ્યાએ પહોંચી શકતી નથી. જેના કારણે કેટલાક ગુનેગારો પોતાના ઇરાદા પાર પાડવામાં કામયાબ થઈ જાય છે. ટ્રેન ઉથલાવવાનુ ષંડયત્ર છેલ્લા ઘણા સમયથી દેશમાં ચાલી રહ્યુ છે. ત્યારે આવી કોઈ ઘટના અમદાવાદ અને ગુજરાતમાં બને નહીં તે માટે પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે. થોડા દિવસ પહેલા સુરતના કીમ રેલવે ટ્રેક પર ટ્રેનને ઉથલાવવાના ષડયંત્રનો પર્દાફાશ થયો હતો. ત્યારબાદથી પોલીસ વધુ સતર્ક બની ગઈ છે.

રેલવે પોલીસ દ્વારા રેલવે ટ્રેનની નજીક રહેતા સ્થાનિકોનું એક વોટ્સએપ ગ્રુપ બનાવશે. જેમાં આવી રેલવે સંબંધિત કોઈપણ ઘટનાની જાણકારીની આપ-લે કરવામાં આવશે. આ સિવાય રેલવે ટ્રેક નજીક રહેતા યુવાઓ તેમજ તેમના પરિવારજનો સાથે એક મિટિંગનું આયોજન કરશે. જેમાં તેમને સતર્ક રહેવા તેમજ પોલીસને માહિતી ઝડપી પહોંચાડવા અંગેની પૂરેપૂરી તાલીમ આપવામાં આવશે. આ સાથે રેલવે ટ્રેક પર પોલીસ અને આરપીએફ સતત પેટ્રોલિંગ કરશે. જો કોઈ શંકાસ્પદ લાગશે તો તેમની આગવી સ્ટાઈલથી પૂછપરછ પણ કરવામાં આવશે.

Leave a comment