લેન્ડ ફોર જોબ મામલે લાલુ સામે ચાલશે કેસ, કેન્દ્ર સરકારે આપી મંજૂરી

કેન્દ્ર સરકારે બિહારના પૂર્વ રેલવે મંત્રી લાલુ પ્રસાદ યાદવ સામે કેસ ચલાવવા માટે CBIને મંજૂરી આપી દીધી છે. CBIએ આ માહિતી રાઉઝ એવન્યુ કોર્ટને આપી છે.

અગાઉ 18 સપ્ટેમ્બરના રોજ રાઉઝ એવન્યુ કોર્ટે જમીન મની લોન્ડરિંગ કેસમાં બિહારના પૂર્વ સીએમ લાલુ પ્રસાદ યાદવ, તેજસ્વી યાદવ અને અન્ય આરોપીઓને સમન્સ પાઠવ્યું હતું. આ કેસમાં પહેલીવાર કોર્ટે લાલુના મોટા પુત્ર તેજ પ્રતાપ, અખિલેશ્વર સિંહ અને તેમની પત્ની કિરણ દેવીને પણ સમન્સ મોકલ્યું છે.

કોર્ટે એમ પણ કહ્યું છે કે ‘તેજ પ્રતાપ યાદવની સંડોવણીને નકારી શકાય નહીં. તેઓ એકે ઈન્ફોસિસ લિમિટેડના ડિરેક્ટર પણ હતા.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ 6 ઓગસ્ટે 11 આરોપીઓ વિરુદ્ધ પૂરક ચાર્જશીટ દાખલ કરી હતી. જેમાંથી 4ના મોત થયા છે. આમાં લલ્લન ચૌધરી, હજારી રાય, ધર્મેન્દ્ર કુમાર, અખિલેશ્વર સિંહ, રવિન્દર કુમાર, સ્વ. લાલ બાબુ રાય, સોનમતીયા દેવી, સ્વ. કિશુન દેવ રાય અને સંજય રાયનો સમાવેશ થાય છે.

લલન ચૌધરીની પત્નીએ કોર્ટમાં પતિના મૃત્યુ સાથે સંબંધિત પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ રજૂ કર્યો છે. કોર્ટે મૃત્યુ પ્રમાણપત્ર રજુ કરવાનો આદેશ આપ્યો હતો.

આ મામલામાં આગામી સુનાવણી હવે 7 ઓક્ટોબરે થશે. દરેકને કોર્ટમાં હાજર રહેવું પડશે.

કિરણ દેવી, જેમને કોર્ટે સમન્સ જારી કર્યું છે, તે પટનાની રહેવાસી છે. કિરણ દેવીએ નવેમ્બર 2007માં લાલુ યાદવની પુત્રી મીસા ભારતીને પોતાની 80,905 ચોરસ ફૂટ જમીન માત્ર 3.70 લાખ રૂપિયામાં વેચી દીધી હતી. આ પછી 2008માં કિરણ દેવીના પુત્ર અભિષેક કુમારને સેન્ટ્રલ રેલવે મુંબઈમાં નોકરી મળી હતી.

RJD વડા લાલુ યાદવના નજીકના સહયોગી અમિત કાત્યાલને દિલ્હી હાઈકોર્ટે લેન્ડ ફોર જોબ કેસમાં નિયમિત જામીન આપ્યા છે. જસ્ટિસ નીના બંસલ ક્રિષ્નાની બેન્ચે કહ્યું હતું કે ‘આરોપી સતત તપાસમાં જોડાઈ રહ્યા છે અને તેમણે કોઈપણ તબક્કે પૂછપરછ માટે જારી કરાયેલા સમન્સને ટાળવાનો પ્રયાસ કર્યો નથી. તથ્યોને ધ્યાનમાં લેતા, આરોપીના ફરાર થવાની કોઈ શક્યતા નથી, આરોપી 10 નવેમ્બર 2023થી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને કેસની સુનાવણી પૂર્ણ થવામાં લાંબો સમય લાગી શકે છે. આવી સ્થિતિમાં આરોપીઓને જેલમાં રાખીને કોઈ હેતુ પૂરો થશે નહીં.

આ કેસમાં તપાસ એજન્સી દ્વારા 13 ઓગસ્ટે 96 નવા દસ્તાવેજો પણ રજૂ કરવામાં આવ્યા હતા. બિહારના પૂર્વ સીએમ રાબડી દેવી, પુત્રી મીસા ભારતી અને પુત્રી હેમા સહિત અન્ય આરોપીઓ સામે ED પહેલાથી જ ચાર્જશીટ રજુ કરી ચૂકી છે.

Leave a comment