હવે ગુજરાતની કોલેજો ફીમાં ઉઘાડી લૂંટ નહીં કરી શકે, સરકારી યુનિવર્સિટી માટે FRCની રચના કરાશે

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકારમાં ખાનગી શાળાઓ સામે ફી રેગ્યુલેશન કમિટી (FRC)ની રચના કરી ફી નિયમન માટે કાયદો લાગુ કરવામાં આવ્યો હતો. જો કે, વારંવાર વિવાદોમાં રહેતી FRCની ચોક્કસ રીતે અમલવારી નિયમ મુજબ ન થવા છતાં હવે વર્તમાન ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા ગુજરાતમાં ખાનગી કોલેજો ઉપર FRC રચવા માટે જાહેરાત કરવામાં આવી છે. જો કે, મહત્ત્વની વાત એ છે કે, દરેક ખાનગી કોલેજો બેફામ ફી ઉઘરાવી નથી રહી આમ છતાં FRC આવવાથી વિદ્યાર્થીઓને ફાયદો જરૂર થશે. પરંતુ દરેક કોર્સ માટે ઉઘાડી લૂંટ ચલાવતી ખાનગી યુનિવર્સિટીઓ ઉપર સરકાર કોઈ લગામ લગાવી શકતી નથી અને તેઓને ઉઘાડી લૂંટ ચલાવવા પ્રોત્સાહન આપવામાં આવતું હોય તેવું ચિત્ર વારંવાર ઉદભવી રહ્યું છે.

11 યુનિવર્સિટીમાં FRC લાગુ પડશે

  1. ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ
  2. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા
  3. સરદાર પટેલ યુનિવર્સિટી, આણંદ,
  4. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત
  5. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ
  6. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી,
  7. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ
  8. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ
  9. ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી, ભુજ
  10. ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ
  11. શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરા

ગુજરાત સરકારના નવા સ્ટેચ્યુટ મૂજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત રાજ્યની 11 સરકારી વિશ્વ વિદ્યાલયોમાં શાળાઓની માફક FRC એટલે કે, ફી નિયમન સમિતિની રચના કરવામાં આવશે. જેમાં એન્જિનિયરિંગ અને મેડિકલ સહિતના ટેક્નિકલ સિવાયના નોન ટેક્નિકલ કોર્સ જેવા કે બીએ, બીકોમ, બીએસસી, બીબીએ, બીસીએ સહિતના કોર્સની ફી જે-તે યુનિવર્સિટી કક્ષાએ કુલપતિની અધ્યક્ષતાવાળી કમિટી કરશે. સામાન્ય રીતે શાળાઓ માટેની અને રાજ્ય કક્ષાએ ફી રેગ્યુલેશન માટે જે કમિટી રચવામાં આવી તેમાં નિવૃત્ત જજ ચેરમેન હોય છે. જ્યારે યુનિવર્સિટી કક્ષાએ ચાલતા કોર્સ માટે સૂચવવામાં આવેલી FRCમાં જે-તે યુનિવર્સિટીના કુલપતિને ચેરમેન તરીકે રાખવાની જોગવાઈ કરાઈ છે.

જ્યારે સુપ્રીમ કોર્ટ અથવા હાઇકોર્ટના નિવૃત્ત જજ તેમાં સભ્ય હશે. આ ઉપરાંત જે-તે યુનિવર્સિટીના કુલસચિવ સભ્ય તો ફાઇનાન્સ એન્ડ એકાઉન્ટ ઓફિસર તેમાં મેમ્બર સેક્રેટરી હશે. જો કે, આ કમિટી ખાનગી યુનિવર્સિટીઓમાં ચાલતી ઉઘાડી લૂંટ પર લગામ નહીં લાવી શકે. અગાઉ પણ સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના પ્રવેશ માટે રાજ્ય સરકાર દ્વારા GCAS (ગુજરાત કોમન એડમિશન સર્વિસ) પોર્ટલ પર વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું હતું. જે પ્રવેશ મોડા શરૂ થયા હતા અને તે પહેલાં ખાનગી યુનિવર્સિટીઓના એડમિશન શરૂ થઈ જતા તેઓને ખૂબ જ ફાયદો થયો હતો ત્યારે હવે સ્ટેચ્યુટમાં FRCના નવા કાયદાથી ખાનગી કોલેજમાં લેવામાં આવતી ફી પર નિયંત્રણ આવશે. પરંતુ ખાનગી યુનિવર્સિટીમાં લેવાતી બેફામ ફી પર રોક નહીં લાગે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન ખાનગી કોલેજોના સંચાલક મંડળના પ્રમુખ ડો. નેહલ શુક્લાએ જણાવ્યું હતું કે, રાજ્યની સરકારી યુનિવર્સિટીઓ માટે સ્થાનિક કક્ષાએ FRCનું સૂચન કરવામાં આવ્યું છે. જેમાં ચેરમેન તરીકે જે-તે યુનિવર્સિટીના કુલપતિને રાખવાનું પ્રાવધાન છે. જ્યારે સભ્યો તરીકે હાઇકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ, પૂર્વ કુલપતિ, નેશનલ અથવા પબ્લિક સેક્ટર બેંકના નિવૃત્ત જનરલ મેનેજર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તેમજ જે-તે યુનિવર્સિટીના કુલસચિવને સભ્ય તો ફાઇનાન્સ એન્ડ એકાઉન્ટ ઓફિસરને મેમ્બર સેક્રેટરી તરીકે નિયુક્ત કરવા માટે પ્રાવધાન કરવામાં આવ્યું છે.

તેમણે જણાવ્યું હતું કે FRC વિદ્યાર્થીઓ અને કોલેજો માટે સારી બાબત છે. કાઉન્સિલના કે જેમાં એન્જિનિયરિંગ, મેડિકલ, પેરા મેડિકલ, લો તેમજ બીએડ્ સહિતના કોર્સ આવે છે. જેની ફી નિયમન સમિતિ રાજ્ય કક્ષાએ છે અને શાળાઓની પણ ફી નક્કી કરવા માટેની ફી નિયમન સમિતિ છે. પરંતુ તેમાં ચેરમેન તરીકે નિવૃત્ત ન્યાયાધીશ હોય છે. જ્યારે યુનિવર્સિટીના એક્ટમાં તેઓ મેમ્બર તરીકે છે. કુલપતિ પોતે આ કમિટીના અધ્યક્ષ હોવાથી જો કોઈ કોલેજની વધુ ફી નક્કી કરવામાં આવી તો તેમાં વિદ્યાર્થીઓ અને વાલીઓના રોષનો સામનો કરવો પડશે અને ઓછી ફી નક્કી થશે તો કોલેજ લેવલે કુલપતિની સીધી જવાબદારી ગણાશે. આ એકાઉન્ટન્ટનો વિષય હોવાથી કુલપતિને આમાં ઊંડી સમજણ લેવી પડશે.

Leave a comment