દેશમાં છેલ્લા પાંચ વર્ષમાં વાર્ષિક રૂ. ૧૦ કરોડથી વધુ કમાનારા ભારતીયોની સંખ્યામાં ૬૩ ટકાનો વધારો થયો છે. હાલમાં, ભારતમાં અંદાજે ૩૧,૮૦૦ વ્યક્તિઓ વાર્ષિક રૂ. ૧૦ કરોડથી વધુની કમાણી કરે છે, જે છેલ્લા પાંચ વર્ષમાં ૬૩ ટકાનો વધારો દર્શાવે છે. વાર્ષિક રૂ. ૫૦ લાખથી વધુ કમાનારા લોકોની સંખ્યામાં ૨૫ ટકાનો વધારો થયો છે અને લગભગ ૧૦ લાખ વ્યક્તિઓ સુધી પહોંચી ગયો છે.
સેન્ટ્રમ ઇન્સ્ટિટયૂશનલ રિસર્ચના નવા અહેવાલ અનુસાર વાર્ષિક રૂ. ૫ કરોડથી વધુની કમાણી કરનારાઓની સંખ્યા વધીને ૫૮,૨૦૦ વ્યક્તિઓ થઈ છે, જે ૪૯ ટકાની વૃદ્ધિ દર્શાવે છે. સમૃદ્ધ ભારતીયોની સંપત્તિ ૨૦૧૯થી ૨૦૨૪ના નાણાંકીય વર્ષમા ઝડપથી વધી છે.
વાર્ષિક રૂ. ૫૦ લાખથી વધુની કમાણી કરનારા લોકોની કુલ આવક છેલ્લા પાંચ વર્ષમાં ૬૪ ટકા વધીને રૂ. ૪૯ લાખ કરોડ થઈ છે જ્યારે રૂ. ૧૦ કરોડથી વધુ કમાનાર વ્યક્તિઓની આવકમાં ૧૨૧ ટકા સીએજીઆરનો વધારો થયો છે અને કુલ આવક રૂ. ૩૮ લાખ કરોડે પહોંચી છે. ૫ કરોડથી વધુની કમાણી કરનારાઓની આવકમાં ૧૦૬ ટકાનો વધારો થયો છે અને આવક ૪૦ લાખ કરોડ રૂપિયા થઈ છે.
આ રિપોર્ટમાં આગામી સમય માટે પણ અંદાજ લગાવવામાં આવ્યો છે કે ભારતમાં હાઈ નેટ વર્થ (એચએનઆઈ) અને અલ્ટ્રા હાઈ નેટ વર્થ ઈન્ડિવિજ્યુઅલ્સ (અલ્ટ્રા એચએનઆઈ)ની સંયુક્ત સંપત્તિ ૨૦૨૩ના ૧.૨ ટ્રિલિયન ડોલરથી વધીને ૨૦૨૮ સુધીમાં વાર્ષિક ૧૩-૧૪ ટકાની વૃદ્ધિ સાથે ૨.૨ ટ્રિલિયન ડોલર થઈ જશે. એક મહત્વનું તારણ એ રહ્યું કે એડવાન્સ ઈકોનોમીમાં ૭૫ ટકા સંપત્તિનું સંચાલન પ્રોફેશનલી થાય છે જ્યારે ભારતમાં આ રેશિયો માત્ર ૧૫ ટકા જ છે.
