~ વ્યક્તિ આજીવન રૂ. પાંચ કરોડનું ઓક્સિજન પર્યાવરણમાંથી મેળવી જીવન ટકાવે છે
દરેક વ્યક્તિ સામાન્ય 65 વર્ષની જીવનગાળામાં અંદાજે રૂ. પાંચ કરોડનું ઓક્સિજન પર્યાવરણમાંથી નિશુલ્ક ગ્રહણ કરી પોતાનું જીવન ટકાવે છે, ત્યારે પ્રત્યેકની પર્યાવરણની જાળવણી કરવાની ફરજ બને છે. જો પર્યાવરણ શુદ્ધ હશે તો જ વાતાવરણમાં હવા, પાણી અને ખોરાક શુદ્ધરૂપે મળશે, એમ ગુજરાત ઇન્સ્ટિટયૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી (ગાઈડ), ભુજના ડાયરેક્ટર ડો. વિજયકુમારે જણાવ્યું હતું.
ભુજ ખાતે અદાણી સ્કીલ ડેવલપમેન્ટ અંતર્ગત આયોજિત નર્સિંગ આસિસ્ટન્ટ (જીડીએ) ની નવી બેચ, જીડીએના પ્રમાણપત્ર વિતરણ અને પ્લાસ્ટિક વેસ્ટના નિકાલ માટેના સેશન પ્રસંગે અતિથિ વિશેષ પદેથી ડો. વિજયકુમારે વધુમાં કહ્યું કે, પર્યાવરણ માટે વૃક્ષ મુખ્ય ઉદ્ગમ સ્થાન હોવાથી દરેક પોતાના કે નિકટના સંબંધીઓના જન્મદિવસે વૃક્ષનું વાવેતર કરે તો પર્યાવરણનું જતન કરી શકાય.
કચ્છમાં પ્લાસ્ટિકના કચરાના નિકાલ માટેના ભેખધારી સન્માન ડેવલોપમેન્ટ ફાઉન્ડેશનના સ્થાપક ધર્મેશ અંતાણી કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે હાજર રહીને જણાવ્યું હતું કે, જીવ માત્રને પ્લાસ્ટિકના પ્રદૂષણથી બચાવવા હશે તો લોકોએ જાતે જ બદલાવ કરવો પડશે. કચરા પ્રબંધનની સાથે લોકજાગૃતિ પણ એટલી જ મહત્વની છે, એમ કહી તેમણે પ્લાસ્ટિક ઓછામાં ઓછું પર્યાવરણમાં જાય તેની કાળજી દરેકે રાખવી જોઈએ. તેમણે કેટલીક શોર્ટ ફિલ્મ, પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે અદાણી કોલેજના આસિસ્ટન્ટ ડીન ડો. અજીત ખીલનાણીએ કૌશલ્ય દ્વારા વ્યક્તિનું ઘડતર થાય છે એમ જણાવ્યું હતું. ભુજ સક્ષમના જુનિયર ઓફિસર પૂર્વી ગોસ્વામીએ સ્વાગત વિધિ તથા આભારદર્શન ટ્રેનિંગ એસોસીએટ મનીષ બાવલે કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન તાલીમાર્થી માધવી ગુરવ અને જુગની મહેશ્વરીએ કર્યું હતું.
