કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના શીખ સમુદાયને લઈને આપેલા નિવેદનને લઈને અમેરિકામાં રાજકારણ ગરમાયું છે. ભાજપ રાહુલ ગાંધીના નિવેદનને લઈને કોંગ્રેસને ઘેરી રહી છે, ત્યારે શીખ સમુદાયના લોકો પણ કોંગ્રેસ વિરુદ્ધ રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ સિવાય રાહુલ ગાંધીએ ચીન અંગે પણ એક નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઘેર્યા હતા. તેના પર હવે કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, “અમારી એક ઇંચ પણ જમીન પર કોઈનો પણ કબજો નથી”
હકીકતમાં અમેરિકાના પ્રવાસે ગયેલા રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે, લદ્દાખમાં ચીન દિલ્હી જેટલા મોટા વિસ્તાર પર કબજો જમાવી બેઠું છે. રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા છે અને અમેરિકાની મુલાકાત દરમિયાન તેમણે કહ્યું છે કે, “વડાપ્રધાન મોદી ચીન સાથે યોગ્ય રીતે નિપટાવી ન શક્યા. અને ચીની સૈનિકો આપણી 4 હજાર ચોરસ કિલોમીટર જમીન પર કબજો જમાવી બેઠા છે.”
રાહુલ ગાંધીના આ નિવેદન પર કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું છે કે, “જ્યારથી વડાપ્રધાન મોદીની સરકાર સત્તામાં આવી છે ત્યારથી અમારી એક ઈંચ જમીન પર પણ કોઈનો કબજો નથી. રાહુલ ગાંધીએ વિદેશ જઈને ભારતને બદનામ કરવાનું બંધ કરવું જોઈએ. 1962 પહેલા સરહદ નક્કી ન હતી, તેથી થોડી ગરબડ થઈ શકે છે, પરંતુ હવે અમારી જમીન પર કોઈ કબજો જમાવે તે સંભવ નથી.”
તેમણે કહ્યું, “નરેન્દ્ર મોદી જ્યારથી સત્તામાં આવ્યા છે, અમારી જમીન પર કોઈ કબજો કરી શક્યું નથી. ગઈ વખતે મેં ગૃહમાં વિરોધ પક્ષોના નેતાઓને કહ્યું હતું કે, જો તેમની પાસે સમય હોય તો તેઓ મારી સાથે સરહદ પર આવી શકે છે. 1962 પહેલા જો સીમાંકન નહોતું થયું. તો ચીનીઓએ અમારી જમીન પર કબજો કરી શકતા હતા.”
