નિયમનકારી ચિંતાઆની વચ્ચે એસએમઇ કંપનીઓના શેરોમાં સરેરાશ લિસ્ટિંગ નફો બમણો થઈને ૭૨ ટકાને પાર

નાના અને મધ્યમ કદના સાહસો (એસએમઈ)ના આઈપીઓમાં હવે સંસ્થાગતની સાથે રિટેલ રોકાણકારો પણ મોટા ઝંપલાવી રહ્યાં છે. એક બાદ એક સદંતર આવી રહેલ મેઈનબોર્ડ અને એસએમઈ આઈપીઓમાં સબસ્ક્રિપ્શનની સાથે લિસ્ટિંગ ગેઈનના પણ  રેકોર્ડ તૂટી રહ્યાં છે. ૨૦૨૪માં એસએમઈ કંપનીઓના શેરના લિસ્ટિંગ દિવસનો નફો બમણો થઈ ગયો છે.

માર્કેટ રેગ્યુલેટર સેબી અને બજારના નિષ્ણાતો દ્વારા ચિંતાઓ વ્યક્ત કરવા છતા લિસ્ટિંગ દિવસનો સરેરાશ નફો ૨૦૨૪માં લગભગ બમણો વધીને ૭૨ ટકા થયો છે, જે ૨૦૨૩માં લગભગ ૩૭ ટકા આસપાસ હતો. ૨૦૨૩ની સરખામણીએ ૨૦૨૪માં ૧૦૦ ટકાથી વધુ પ્રીમિયમે લિસ્ટ થનારા શેરની સંખ્યા વધી છે અને ઓફર કિંમતથી ઓછા ભાવે લિસ્ટ થનારા કે લિસ્ટિંગ દિવસે ટ્રેડ થનારા શેરની સંખ્યા ઘટી છે.

પ્રાઈમ ડેટાબેઝ અનુસાર આ વર્ષે અત્યાર સુધીમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જના એસએમઈ પ્લેટફોર્મ પર લિસ્ટ થયેલા ૧૭૨ સ્ટોક્સમાંથી ૨૯ શેરોએ પ્રથમ દિવસે ૧૦૦ ટકા કરતા વધુ વળતર આપ્યું છે. સરખામણીમાં ૨૦૨૩માં લિસ્ટેડ ૧૭૯માંથી ૧૭ શેરમાં પ્રથમ દિવસે ૧૦૦ ટકાનું વળતર મળ્યું હતું. આ સિવાય ૨૦૨૩માં ૩૦ની સામે ૨૦૨૪માં પ્રથમ દિવસે ૧૧ શેરો તેમની ઓફર કિંમતથી નીચે બંધ થયા હતા.

ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિન્યુએબલ એનર્જી કંપનીઓએ લિસ્ટિંગના દિવસે સૌથી વધુ નફો આપ્યો છે. ૨૦૨૪ની ટોચની ૧૦ સૌથી મોટી ફર્સ્ટ ડે ગેઇનર્સમાંથી પાંચ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પાવર, ખાસ કરીને રિન્યુએબલ એનર્જીની કંપનીઓ છે. તેના મુખ્ય નામ એનર્જી સોલ્યુશન્સ કંપની વિન્સોલ એન્જિનિયર્સ, પાવર સોલ્યુશન્સ કંપની કે સી એનર્જીએન્ડ ઇન્ફ્રા, સોલાર એનર્જી સોલ્યુશન્સ કંપની જીપી ઇકો સોલ્યુશન્સ ઇન્ડિયા અને એલ્યુમિનિયમ અને કોપર વાયર સોલ્યુશન્સ કંપની ડિવાઇન પાવર એનર્જીનો સમાવેશ થાય છે. આ શેર પ્રથમ દિવસે ૨૮૦-૪૨૦ ટકા વધ્યા હતા.

સેબી છેલ્લા એક વર્ષથી એસએમઈ શેરના ભાવમાં થઈ રહેલ ગેરરીતિ અંગે રોકાણકારોને ચેતવણી આપી રહી છે. તાજેતરમાં વધુ કડકાઈ દાખવતા કેટલીક કંપનીઓ અને પ્રમોટરો સામે ઓર્ડર પણ પસાર કર્યા છે. સેબીએ જણાવ્યું કે કેટલીક એસએમઈ કંપનીઓ અને તેમના પ્રમોટરો ‘તેમની કામગીરીનું અવાસ્તવિક ચિત્ર રજૂ કરતા કેટલાક ચોક્કસ માધ્યમોનો આશરો લઈ રહ્યા છે. આવી કંપનીઓ કેટલીક જાહેરાતો દ્વારા તેમની કંપની માટે પેઈટ પોઝીટીવ માહોલ પેદા કરે છે અને તે પ્રમોટરોને એલિવેટેડ ભાવે પોતાનો હિસ્સો કાપવાની તક આપે છે.’

Leave a comment