ગુજરાત ટેકનોલિજિકલ યુનિવર્સિટી(GTU)માં માર્કશીટ, વધારાની ફી, NCC ક્રેડિટ્સ સહિતના પડતર પ્રશ્નોને લઈને ABVP દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. GTU માં દરવાજો નીચેથી બંધ કરીને ABVPના કાર્યકરોને રોકતા પોલીસ અને સિક્યોરિટી સાથે ઝપાઝપી કરીને ગેટની ગ્રીલ હલબલાવી નાખી હતી. બાદમાં ABVPના કાર્યકરો GTU અંદર જતા રહ્યા હતા. કુલપતિ ડો.રાજુલ ગજ્જરને ધક્કે ચઢાવીને પડતર પ્રશ્નોને લઈને ઉધડો લીધો હતો. મામલો વધુ ગરમાતા સ્થાનિક DCP પણ દોડી આવ્યા હતા.
ગુજરાત ટેકનોજીકલ યુનિવર્સિટી અલગ અલગ પડતર પ્રશ્નોને લઈને આંદોલન કરવામાં આવ્યું હતું. ABVPએ રજુઆત કરી હતી કે, GTU એફિલેશન ફીના નામે 300 રૂપિયા લેવામાં આવે છે તે ફી રદ કરવા માગ કરવામાં આવી હતી. સેમેસ્ટર- 2નું પરિણામ આવી ચૂક્યું હોવા છતાં 2 મહિના સુધી માર્કશીટ આપવામાં આવતી નથી. રિ-એસેસમેન્ટમાં જે વિદ્યાર્થીઓ પાસ થયા છે તેમને ફી રિફંડ કરવામાં આવી નથી. NCCની ક્રેડિટ મળવી જોઈએ તે ક્રેડિટ આપવામાં આવી નથી. આ ઉપરાંત CCC કૌભાડ અને મહિલા પ્રોફેસરની જાતીય સતામણી મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
અગાઉ એપ્રિલ મહિનામાં આ પ્રશ્નોને લઈને રજૂઆત કરી હતી. છતાં કોઈ નિરાકરણ આવ્યું નહોતું. ત્યારબાદ 30 ઓગસ્ટે પણ લેખિતમાં રજૂઆત કરી છતાં હજુ સુધી પરિણામ આવ્યું નથી. જેથી આજે ABVPના કાર્યકરો આક્રમક રીતે GTU કેમ્પસમાં વિરોધ કરવા પહોંચ્યા હતા. કાર્યકરોને ગેટ પાસે રોકી લેવામાં આવતા ગેટ બહાર બેસીને સૂત્રોચાર કર્યા હતા. થોડા સમય બાદ અંદર જવાનો પ્રયત્ન કરતા અંદર પ્રવેશ આપવામાં આવ્યો નહોતો.
ABVPના કાર્યકરો પોલીસ અને સિક્યોરિટી કર્મચારીઓ સાથે ઝપાઝપી કરી જાતે જ દરવાજો ખોલી મોટી સંખ્યામાં અંદર ઘૂસી ગયા હતા. કુલપતિની ઓફિસ બહાર બેસી રામધૂન પણ બોલાવી રહ્યા હતા. જો કે, કુલપતિ રજિસ્ટ્રારની ઓફિસમાં આવ્યા હતા. જેથી ABVPના કાર્યકરોએ જીદ કરતા કુલપતિએ પોતાની ઓફિસમાં જઈને ABVPની રજૂઆત સંભાળવી પડી હતી.
કુલપતિએ ABVPના પ્રશ્નોનો જવાબ આપી શક્યા નહોતા. અગાઉ કરેલી રજૂઆતમાં કોઈ ધ્યાન આપ્યું નહોતું. જેથી ABVPના આગેવાનોએ કુલપતિ રાજુલ ગજ્જરનો ઉધડો લીધો હતો. તમામ મુદ્દે સવાલ કર્યા હતા, જેના કુલપતિ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા. જેથી દરેક સવાલ બાદ હલ્લાબોલ કર્યો હતો. મામલો વધુ ગરમાતા ઝોન 2 ડીસીપી પણ સ્થળ પર પહોંચી ગયા હતા. અંતે કુલપતિએ તમામ પ્રશ્નોનું 15 દિવસમાં નિરાકરણ લાવવા બાયેધરી આપી હતી.
ABVPના નેતા સમર્થ ભટ્ટે જણાવ્યું હતું કે, કદાચ કુલપતિ પાસે ગુજરાતનો કાર્યભાર વધુ હોવાથી કામ વધુ હશે અથવા વિદ્યાર્થીઓના પ્રશ્નોને ગંભીરતાથી નથી લેતા. અગાઉ એપ્રિલમાં રજૂઆત કરી હતી છતાં આજ દિવસ સુધી કુલપતિ દ્વારા તેનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી. કુલપતિએ પુરાવા વિના વિદ્યાર્થીઓના પ્રશ્ન ઉડાવી દીધા હતા. અધિકારીઓએ કુલપતિને ખોટી રીતે બ્રીફ કર્યા કે કુલપતિએ જ સમય ના આપ્યો તે સવાલ છે.
