48 કલાક વરસાદી ત્રણ સિસ્ટમની અસર મધ્ય અને દક્ષિણ ગુજરાત માં વર્તાશે

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેમાં આગામી 48 કલાક દરમિયાન ગુજરાતના દક્ષિણ અને મધ્ય ભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે. આગામી 48 કલાક દરમિયાન ગુજરાત ઉપર ત્રણ સિસ્ટમની અસર રહેશે, જેને કારણે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં હળવાથી ભારે વરસાદી ઝાપટા વરસી શકે છે. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં પણ આગામી 24 કલાક દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

આજે બપોરથી અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટા અને ધીમીધારે વરસાદ પડ્યો હતો. નરોડા, કુબેરનગર, કોતરપુર, એરપોર્ટ, સરદારનગર, નારણપુરા આશ્રમરોડ, પાલડી, જમાલપુર, ઉસ્માનપુર, ચાંદખેડા, સુભાષબ્રિજ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણના જણાવ્યા અનુસાર, ગુજરાત રાજ્યમાં આગામી બે દિવસ દરમિયાન વરસાદી માહોલ રહી શકે છે. તેમાં પણ ગુજરાત પ્રદેશ એટલે કે, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેશે. તથા સૌરાષ્ટ્ર- કચ્છના જિલ્લાઓમાં ખૂબ જ હળવા છુટાછવાયા વરસાદની ઝાપટા વરસી શકે છે.

ગુજરાતમાં હાલમાં ત્રણ સિસ્ટમની અસર રહેશે. જેમાં દક્ષિણ ગુજરાતથી ઉત્તર કેરળ સુધી ઓફ શોર ટ્રક. તદુપરાંત દક્ષિણ ગુજરાતના ભાગો ઉપર સાયકલોનિક સર્ક્યુલેશન તથા બંગાળની ખાડીમાંથી જે સાયકલોનિક સર્ક્યુલેશન આગળ વધીને ડિપ્રેશન બન્યું છે તે હાલમાં ઉત્તર છત્તીસગઢના આસપાસ સક્રિય છે, જે પશ્ચિમ અને ઉત્તરપશ્ચિમ દિશા તરફ ગતિ કરી રહ્યું છે. જેને કારણે ગુજરાત ઉપર વરસાદની અસર રહેશે. ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે.

Leave a comment