હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. પરંતુ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદની પણ સંભાવના છે. જેમાં ખાસ કરીને પૂર્વ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ આગામી 24 કલાક દરમિયાન વરસી શકે છે. આ ઉપરાંત આવતીકાલે પણ ઉત્તર અને પૂર્વ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે.
ગુજરાત રાજ્યમાં વરસાદ લાવનારી બે સિસ્ટમ સક્રિય છે. જેમાં ઉત્તર પૂર્વ રાજસ્થાન ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. જેને કારણે ગુજરાતમાં વરસાદની શક્યતા છે. આ ઉપરાંત બિકાનેરથી બંગાળની ખાડી સુધી એક મોન્સુન ટ્રફ સક્રિય છે. જેને કારણે પણ ગુજરાત રાજ્યમાં વરસાદ વરસી શકે છે. ચોમાસાની ઋતુને કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ રહેશે. ત્યારે અમદાવાદ શહેરમાં પણ ગતરાતથી જ વહેલી સવાર સુધી વરસાદ વરસ્યો હતો તથા વાતાવરણમાં પણ ભેજનું પ્રમાણ જળવાય રહેતા અને દિવસ દરમિયાન તડકો અને વાદળ રહેતા બફારાનો અનુભવ થશે. જોકે, અમદાવાદ શહેરમાં પણ આગામી 24 કલાક હળવા વરસાદી ઝાપટા વરસી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાત રાજ્યમાં અત્યારસુધીમાં સામાન્ય કરતાં 52 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં જરૂરિયાત કરતા 86% વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત હજુ આગામી ત્રણ દિવસ પૂર્વ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદની શક્યતા છે. 24 કલાક દરમિયાન દાહોદ અને મહીસાગર જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતાને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તદુપરાંત સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી તથા સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની શક્યતા પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાયના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
ઉલ્લેખનીય છે કે, આવતીકાલે ગણેશ ચતુર્થીના પર્વ પર રાજ્યભરમાં ઠેર ઠેર સાર્વજનિક ગણેશપંડાલ સહિત ગુજરાતીઓ પોતાના ઘરમાં પણ શ્રીજીની મૂર્તિની સ્થાપના કરશે. ત્યારે પ્રદૂષણ અટકાવવા માટે માટીની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે ત્યારે મેઘરાજા વિઘ્ન બની શકે છે. કારણ કે, આવતીકાલે પણ ગુજરાત રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. જેમાં અરવલ્લી અને મહીસાગરમાં અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ અને સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તથા ભાવનગરમાં ભારે વરસાદની શક્યતાના પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એટલે કે, આવતીકાલે ગણેશ ચતુર્થીના દિવસે રાજ્યમાં વરસાદ વરસી શકે છે.
