સેન્સેક્સમાં 1219 પોઇન્ટનો કડાકો, રોકાણકારોની મૂડી 5 લાખ કરોડ ઘટી

શેરબજારમાં સાર્વત્રિક વેચવાલીના માહોલ વચ્ચે સેન્સેક્સ આજે 1219.23 પોઇન્ટ તૂટી 80981.93ની ઇન્ટ્રા ડે બોટમે પહોંચ્યો હતો. જેના પગલે રોકાણકારોની મૂડીમાં રૂ. 5.09 લાખ કરોડનું ધોવાણ થયું છે. નિફ્ટી પણ 300 પોઇન્ટથી વધુ તૂટ્યો હતો.

સેન્સેક્સ 1017.23 પોઇન્ટ તૂટી 81183.93 અને નિફ્ટી 292.95 પોઇન્ટના કડાકા સાથે 24852.15 પર બંધ રહ્યો હતો. મીડકેપ શેર્સમાં ગાબડાં સાથે ઇન્ડેક્સ 1.41 ટકા તૂટ્યો હતો. સેક્ટોરલ ઇન્ડેક્સમાં પીએસયુ ઇન્ડેક્સ 2.48 ટકા, સ્મોલકેપ 0.96 ટકા, ટેલિકોમ્યુનિકેશન્સ 3.23 ટકા, પાવર 1.37 ટકા, ઓટો 1.30 ટકા, ટૅક્નોલૉજી 1.22 ટકા તૂટ્યો હતો.

રક્ષા મંત્રી રાજનાથ સિંહે ભારતીય સૈન્ય દળને હથિયારો સાથે સજ્જ રહેવા અને પાડોશી દેશો પર ચાંપતી નજર રાખવા નિર્દેશ કર્યો છે. જેથી સુરક્ષા મુદ્દે અનેક અટકળો ઊભી થઈ છે.

સેબી દ્વારા વિદેશી રોકાણકારો(એફપીઆઇ)ને ભારતમાં રોકાણ કરવા માટે નવા નિયમોનું પાલન કરવું પડશે. જેમાં લાભાર્થી માલિકોની યાદી જાહેર કરવાની ડેડલાઇનનો આજે અંતિમ દિવસ હતો. પરિણામે આ યાદી જાહેર ન કરનારા એફપીઆઇ હવે ભારતમાં રોકાણ કરી શકશે નહીં.

અમેરિકા આ શુક્રવારે ઑગસ્ટમાં રોજગારીના આંકડાઓ રજૂ કરતો રિપોર્ટ જાહેર કરવાની છે. ત્યારબાદ 18 સપ્ટેમ્બરના રોજ ફેડ રિઝર્વ વ્યાજના દરોમાં 25થી 50 બેઝિસ પોઇન્ટનો ઘટાડો કરે તેવી અટકળો છે. જેના પગલે રોકાણકારોએ ખાસ કરીને વિદેશી રોકાણકારો થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી છે.

ભારતીય શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસની સતત તેજીના કારણે માર્કેટ ઓવરવેલ્યૂડ થઈ ચૂક્યા છે. ઘણા શેર્સ તેના પીઈ રેશિયો 50 કરતાં વધ્યો છે. જેના પગલે માર્કેટમાં કરેક્શન અને પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે છે.

Leave a comment