જી.કે. જનરલ અદાણી હોસ્પિટલની બ્લડ બેન્કને વીતેલા ઓગસ્ટ માસના અંતિમ દિવસોમાં ચારે બાજુ વરસાદ જેવી વિષમ પરિસ્થિતિમાં પણ ૧૦૭૩ યુનિટ અર્થાત ૩.૭૫ લાખ સી.સી. બલ્ડ એકત્રિત કરવામાં સફળતા મળી હતી, પરિણામે ચાલુ માસમાં હોસ્પિટલ માટે ખાસ કરીને ગાયનેક, સર્જરી, ઈમરજન્સી, થેલેસેમીયા,ડાયાલિસિસ તેમજ અન્ય વિભાગની જરૂરિયાત સુપેરે સંતોષી શકાશે.
હોસ્પિટલની બ્લડ બેન્કના હેડ ડો. જીજ્ઞાબેન ઉપાધ્યાયના જણાવ્યા મુજબ પ્રતિકૂળ પરિસ્થિતિમાં જરૂરિયાત પૂરી પાડવા લોકોને રક્તદાન માટે કરેલી અપીલને સુંદર પ્રતિસાદ મળતા બ્લડ બેન્કમાં જ ૨૧૬ યુનિટ રક્ત ભેગું કરી શકાયું હતું, જ્યારે ૮૫૭ યુનિટ બ્લડ જુદા જુદા ૧૨ કેમ્પ મારફતે મેળવવામાં આવ્યું હતું.
બ્લડ બેન્ક દ્વારા આયોજિત આ ૧૨ રક્તદાન કેમ્પમાં શ્રી ઉખેડા પાટીદાર યુવક મંડળ, કે.ઑ.મોટર્સ ભુજ, જુ.ડોક્ટર્સ એસો., સી.એચ.સી.ભચાઉ, શ્રી નાગોર ગ્રામ પંચાયત, લાયન્સ ક્લબ માધાપર, આશાપુરા ફાઉન્ડેશન ભુજોડી, પશ્ચિમ કચ્છ મંડપ ટાયર્સ એન્ડ ઇલેક્ટ્રિક એસો., ગુજરાત નવલ એન.સી.સી. એન્ડ ટી.આર.એફ. એન.જી.ઓ. એન્ડ એન.સી.સી.એસો., કચ્છ યુવક સંઘ માતુશ્રી કેશરબેન કાનજી શ્યામજી વિધ્યામંદીર, પંકજનગર યુવક મંડળ માધાપર અને કચ્છ યુવક સંઘ ભુજ જેવી સંસ્થાઓના સહયોગથી બ્લડ બેન્કમાં રક્ત એકત્રિત કરી શકાયું હતું. એમ ટ્રાન્સફ્યુસન મેડિસીન ડો.સુમન ખોજા અને બ્લડ બેંકના કાઉન્સેલર દર્શન રાવલે જણાવ્યું હતું.
વર્તમાન સપ્ટે્બર માસમાં પણ શિક્ષક દિન નિમિતે તેમજ અન્ય મહત્વના દિવસો દરમિયાન વિવિધ સંસ્થાઓના સહકારથી રક્ત એકત્રિત કરવા આયોજન કરાયું છે. રક્તદાતાઓને સહકાર આપવા જી.કે.બ્લડબેંક દ્વારા અનુરોધ કરાયો છે.
