જી. કે. જન. અદાણી હોસ્પિ.માં દર માસે ૨૦૦થી વધુ લોકો પોષણક્ષમ ખોરાક માટે લે છે ડાયેટ વિભાગની સલાહ

સ્વસ્થ આહાર માટે લોકોમાં હવે જાગૃતિ વધી રહી છે, તેનો અંદાજ જી.કે. જનરલ અદાણી હોસ્પિટલમાં વર્ષ દરમિયાન દર માસે સરેરાશ ૨૦૦ થી ૨૫૦ વ્યક્તિઓ પોતાના સ્વાસ્થ્ય માટે પોષણયુક્ત  આહાર અંગે ડાયેટિશ્યન પાસેથી માર્ગદર્શન મેળવી રહ્યા છે એમ, હોસ્પિટલના ડાયેટ વિભાગ દ્વારા રાષ્ટ્રીય પોષણ સપ્તાહ નિમિત્તે જણાવાયું હતું.

ભારતમાં પ્રતિ વર્ષે સપ્ટે. ની ૧લી થી ૭મી. સુધી ઉજવાતા રાષ્ટ્રીય પોષણ સપ્તાહ નિમિતે ડાયેટિશ્યન અનિલાબેન પરમાર અને પૃથ્વીબેન લખલાણીએ જણાવ્યું હતું કે, કચ્છમાં લોકો હવે આ ક્ષેત્રે જાગૃત થઈ રહ્યા છે. જેમને ડાયાબિટીસ, હાઈ બી.પી. જેવા રોગો છે, તેઓ જાતે પોતાના સ્વાસ્થ્ય માટે શું સારું છે એ અંગે સલાહ લેવા જાતે અત્રે આવતા હોય છે. જ્યારે કેટલાક દર્દીને તબીબો પણ ભલામણ કરી આ વિભાગમાં પોષણયુક્ત અને રોગ પ્રમાણે કેવો ખોરાક લેવો તે અંગે જાણકારી પ્રાપ્ત કરવા ભલામણ કરે છે.

તેમણે કહ્યું કે,અગાઉ ભારતીય શાકાહારી આહારમાં નિયમિતપણે દાળ, ભાત,રોટલી, શાક અને સલાડના ભોજન ઉપર ભાર મૂકવામાં આવતો હતો. હવે જંકફૂડ જેવા બિન આરોગ્યપ્રદ આહારથી રોગોમાં વધારો થઈ રહ્યો છે. ભારતમાં ૫૬ ટકા રોગો  તો બિન આરોગ્યપ્રદ આહારથી થાય છે. આજે આપણા પરંપરાગત ભોજનને બદલે જંકફૂડનું ચલણ વધ્યું છે.

આરોગ્યપ્રદ આહાર અંગે સાદુ ગણિત સમજાવતા આહરશાસ્ત્રીઓએ કહ્યું કે, ખોરાકમાં ૪૫ ટકા અનાજ, ૧૫ ટકા જેટલું કઠોળ અને ૨૦ ટકા શાકભાજીનો સમાવેશ તો થવો જોઈએ. સાથે દૂધ દહીંની બનાવટો અને પોષણક્ષમ નાસ્તો પણ જરૂર પ્રમાણે લેવો જોઈએ.

આ ઉપરાંત વિટામિન અને ખનીજતત્વો પણ દરેકે પોતાના આહારનો ભાગ બનાવો જોઈએ.પરંતુ કમનસીબે વર્તમાન સમયમાં જંક અને ફાસ્ટફૂડને જ ખોરાક ગણી લેવામાં આવે છે. પરિણામે ભવિષ્યમાં અનેક સ્વાસ્થ્ય સમસ્યા સર્જાય છે. હૃદય રોગ ડાયાબિટીસ, કેન્સર આમાં મુખ્ય છે. ગર્ભાવસ્થા અને પ્રસુતિ પછી પોષણને પણ અવગણી શકાય એમ નથી. ગર્ભાધાનથી બાળક બે વર્ષ જેટલું થાય ત્યાં સુધી બાળક માતા બંને માટે પોષણયુક્ત આહાર બાળકના પ્રારંભિક વિકાસ માટે જરૂરી છે.

પોષણક્ષમ આહાર જ સ્વસ્થ સમાજનું નિર્માણ કરી શકે છે એ હકીકતને ધ્યાનમાં રાખી ડાયેટ વિભાગ દ્વારા વિવિધ જાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, એમ આહારશાસ્ત્રીઓએ જણાવ્યું હતું.

Leave a comment