ગુજરાતમાં 108 ટકા વરસાદ

રાજ્યમાં 25 થી 30 ઓગસ્ટ દરમિયાન પડેલા ભારે વરસાદના લીધે ગુજરાત જળબંબાકાર થઇ ગયું હતું. જેને લીધે રાજ્યમાં જાન અને માલહાનિ સર્જાઇ હતી. ભારે વરસાદના કારણે 49 વ્યક્તિઓના મોત થયા હતા અને લોકોની ઘરવખરીને ભારે નુકસાન પણ થયું છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં રાજ્યમાં 108 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે, અને તમામ ઝોનમાં 100 ટકા વરસાદ નોંધાયો છે.

ત્યારે આજે રાહત કમિશનર આલોક પાંડેએ ભારે વરસાદના લીધે થયેલા નુકસાનનો અહેવાલ રજૂ કરતાં જણાવ્યું હતું કે રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ડિપ્રેશન સર્જાતા ભારે વરસાદ ખાબક્યો છે. આ દરમિયાન (25 થી 30 ઓગસ્ટ)  30 ટકા જેટલો વરસાદ 14 જિલ્લાઓ પ્રભાવિત થયા છે. પૂરગ્રસ્ત વિસ્તારોના 16,95,561 લોકોને 8 કરોડથી વધુ કેશડોલ ચૂકવવામાં આવી છે.

જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં અસરગ્રસ્ત પરિવારોને કેશડોલ્સ અને ઘરવખરી સહાયની નિયમાનુસારની ચુકવણી પ્રક્રિયા અસરગ્રસ્તોનો સરવે કરીને હાથ ધરવામાં આવી રહી છે. તદઅનુસાર, વરસાદથી અસર પામેલા જરૂરતમંદ વ્યક્તિઓ-પરિવારો કે જેમની રોજી-રોટીને અસર થઈ છે તથા ઘરવખરી સામાન તણાઈ જવાથી કે નાશ થવાથી નુકસાન થયું છે તેમને રાજ્ય સરકાર દ્વારા સહાય ચૂકવણી કરવામાં આવે છે.

રાહત કમિશનર આલોકકુમાર પાંડે દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રાજ્યના વડોદરા, સુરત, રાજકોટ, આણંદ, કચ્છ, ખેડા, ગાંધીનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, નર્મદા, નવસારી અને પોરબંદર, મોરબી તથા વલસાડ જિલ્લાઓમાં કુલ 1120 ટીમ દ્વારા સરવેની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ જિલ્લાઓમાં તા. 3 સપ્ટેમ્બર સુધીમાં પૂરગ્રસ્ત વિસ્તારોના 16,95,561 લોકોને 8 કરોડથી વધુ કેશડોલ ચૂકવવામાં આવી છે, જેમાં 5 હજાર લોકોને તાત્કાલિક કેશડોલ ચૂકવી હતી. આ ઉપરાંત 11 પરિવારને 50 હજારની ઘર વખરી આપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે 22 મૃતકોના પરિવારજનોને 88 લાખની સહાય ચૂકવી દેવામાં આવી છે, જોકે 2 થી 3 લોકો સહાય ચૂકવવાની બાકી છે જેમને આગામી બે દિવસમાં ચૂકવી દેવામાં આવશે.

રાજ્યમાં ભારે વરસાદના કારણે અનેક કાચા-પાકા મકાનો અને ઝૂંપડાં તૂટી ગયા હતા તેમજ રાજ્યમાં 2618 પશુઓના મોત થયા હતા.  જેના માટે 367 કરોડની સહાય પેટે ચૂકાવવામાં આવ્યા છે. આ દરમિયાન એનડીઆર, એસડીઆર, એરફોર્સ અને આર્મીની 9 કોલમની મદદથી 43 હજર 83 લોકોને શિફ્ટ કરવામાં આવ્યા હતા અને 37,050 લોકોને રેસ્ક્યુ તેમજ 42,083 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. સાથે જ, 53 વ્યક્તિઓને એરલીફ્ટ પણ કરવામાં આવ્યા હતા.

દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ગત બે દિવસ દરમિયાન વરસેલા વરસાદના કારણે કેટલાક જિલ્લાઓમાં સરવેની કામગીરી પ્રગતિમાં છે અને પરિવારો-વ્યક્તિઓની સંખ્યાની વિગતો જેમ ઉપલબ્ધ થતી જશે, તેમ ઘરવખરી-કપડા સહાય, કેશડોલ્સ, માનવ મૃત્યુ, પશુ મૃત્યુ ઉપરાંત કાચા પાકા મકાનમાં થયેલા નુકશાન માટે વધુ ચૂકવણીની પ્રક્રિયા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવશે.

Leave a comment