અદાણી વિદ્યામંદિર ભદ્રેશ્વર (AVMB) બેસ્ટ ડે-બોર્ડિંગ સ્કૂલ એવોર્ડ એનાયત થયો છે. નવી દિલ્હી ખાતે આયોજીત રાષ્ટ્રીય શાળા પુરસ્કાર- 2024ના ભવ્ય એવોર્ડ સમારંભમાં AVMBને આ શ્રેષ્ઠ સન્માન પ્રાપ્ત થયું છે. પુરસ્કાર વિજેતા AVMBને ટ્રોફી અને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. NSA 2024ની રાષ્ટ્રીય સ્તરની માન્યતા પ્રાપ્ત થતા AVMBની યશકલગીમાં વધુ એક પીંછું ઉમેરાયું છે.
રાષ્ટ્રીય સ્તરે નાના વિસ્તારના શિક્ષણવિદો અને શાળાઓમાં સ્પર્ધાત્મક ભાવના જન્મે અને તેઓ શ્રેષ્ઠત્તમ પ્રદર્શન કરી શકે તેવો આ એવોર્ડનો ઉમદા હેતુ છે. વિદ્યાર્થીઓને આગળ લાવવા AVMBના શિક્ષકો કટિબદ્ધ અને સતત પ્રયત્નશીલ છે. તેઓ બાળકોને શ્રેષ્ઠ માર્ગદર્શન અને શિક્ષણ પૂરું પાડે છે. શાળાના પ્રયત્નોને બિરદાવતો આ એવોર્ડ AVMB ટીમના મહેનતની સુવાસ પ્રસરાવે છે.
AVMB ના આચાર્ય આશુતોષ ઠાકર જણાવે છે કે “ભદ્રેશ્વર આસપાસના માછીમાર સમુદાયના બાળકો માટે આ શાળા રણમાં મીઠી વીરડી સમાન છે. વંચિત પરિવારોના બાળકોને વિનામૂલ્યે ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવા અમારી ટીમ હંમેશા અગ્રેસર રહેશે. આ શાળામાં કામ કરવાનો અમને ગર્વ છે.”
AVMB બાળકોને માત્ર શિક્ષણ જ નહીં, પરંતુ તેમના સર્વાંગી વિકાસને માટે નિ:શુલ્ક શિક્ષણની સાથોસાથ શૈક્ષણિક સામગ્રી, ગણવેશ તેમજ ઉત્તમ સ્વાસ્થ્ય માટે પૌષ્ટિક આહારની સવલત પણ આપે છે. માછીમાર સમુદાયના બાળકોને શિક્ષણ સાથે બાળકોના સર્વાંગી વિકાસ માટે અવિરત કાર્યરત છે.
શિક્ષણ ક્ષેત્રે ડિજિટલ ઈન્ડિયાના સપનાને સાકાર કરવા માટે AVMB નિષ્ઠાપૂર્વક પ્રતિબદ્ધ છે. વળી સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓમાં પણ AVMB બાળકોની ક્ષમતા ઓળખી તેને ખીલવવાનું કામ કરે છે. શાળાની વિશેષ દ્રષ્ટિ વિદ્યાર્થીઓમાં વૈશ્વિક માનસિકતા વિકસાવવી અનન્ય ક્ષમતાઓનું નિર્માણ કરવાની છે.
