ગુજરાત રાજ્યમાં વરસાદના પાંચથી સાત દિવસના વિરામ બાદ ફરી એક વખત આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. તેવામાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં ગુજરાત ઉપર ચાર સિસ્ટમ સક્રિય છે. જેને કારણે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ક્યાંક મધ્યમથી ભારે તો ક્યાંક અત્યંત ભારે વરસાદની શક્યતા છે. ઓડિશા પાસે જે ડિપ્રેશન સર્જાયું હતું તે હાલમાં પૂર્વ ઉપર સક્રિય છે. આ ડિપ્રેશનને કારણે દક્ષિણ અને પૂર્વ મધ્ય ગુજરાતના ભાગો ઉપર વરસાદની અસર રહેશે. જ્યારે ઉત્તર ગુજરાતના ભાગોમાં રાજસ્થાનના જેસલમેરમાં જે મોન્સૂન ટ્રફ સક્રિય છે તેને કારણે વરસાદ રહેશે. જ્યારે દક્ષિણ ગુજરાતમા ઓફ શોર ટ્રફની અસર રહેશે. આ ઉપરાંત ગુજરાત નજીક 20 અલ્ટિટ્યુડ ઉત્તરમાં સિયર ઝોન સક્રિય છે. આ ચાર સિસ્ટમને કારણે ગુજરાતમાં આગામી એક સપ્તાહ દરમિયાન મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે.
આજે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદની તિવ્રતાને લઈને જુદા જુદા એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં જે જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી હોય ત્યાં રેડ એલર્ટ અતિભારે વરસાદની આગાહી હોય ત્યાં ઓરેન્જ એલર્ટ અને ભારે વરસાદની શક્યતા હોય તે જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ દ્વારા અમદાવાદ શહેરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે વહેલી સવારથી જ અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે વિવિધ વિસ્તારમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે. મહત્ત્વનું છે કે, ગતરોજ અમદાવાદ શહેરમાં ફરી એક વખત તાપમાનનો પારો ઊંચકાતા શહેરીજનો શેકાયા હતા. ગતરોજ અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 34.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જે સામાન્ય કરતાં 1.9 ડિગ્રી સેલ્સિયસ વધુ હતું. જ્યારે આજે સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદની શરૂઆત થતાં શહેરના મહત્તમ તાપમાનમાં ઘટાડો થાય તેવી શક્યતા છે. પરંતુ બપોર બાદ જો વરસાદ બંધ થઈ જાય તો બફરાનો અનુભવ કરવા અમદાવાદીઓએ તૈયાર રહેવું પડશે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા મુજબ, સામાન્ય રીતે સપ્ટેમ્બર મહિનામાં 4.9 ઈંચ વરસાદ પડતો હોય છે. પરંતુ, હાલમાં સક્રિય લો-પ્રેશરની સિસ્ટમની અસરથી અમદાવાદમાં સપ્ટેમ્બરના 10 દિવસ દરમિયાન સરેરાશ કરતાં વધુ વરસાદ પડી શકે છે. તેમજ દર વર્ષ કરતાં આ વખતે ભાદરવાની ગરમી એકથી બે ડિગ્રી ઓછી રહે તેવી શક્યતા છે. સપ્ટેમ્બરમાં શહેરમાં છૂટાછવાયાં વરસાદી ઝાપટાંથી લઇને હળવોથી ભારે વરસાદ પડી શકે છે. જેમાં ખાસ કરીને 3 થી 9 તારીખ સુધી હળવાથી મધ્યમ તેમજ એકાદ દિવસ ભારે વરસાદ પડી શકે છે. તેમજ સપ્ટેમ્બર મહિના દરમિયાન અમદાવાદમાં 10 દિવસથી વધુ વરસાદ પડવાની શક્યતા છે.
સપ્ટેમ્બરમાં અમદાવાદમાં ગરમીનો પારો શરૂના 15 દિવસો દરમિયાન 32 ડિગ્રીની આસપાસ તેમજ 15 સપ્ટેમ્બરથી મહિનાના અંત સુધી ગરમીનો પારો વધીને 34 ડિગ્રી સુધી પહોંચી જતો હોવાથી કાળઝાળ ગરમી પડે છે. પરંતુ, આ વર્ષે વરસાદનું જોર યથાવત્ રહેતાં સપ્ટેમ્બરમાં ગરમીનો પારો સામાન્યથી 1 થી 2 ડિગ્રી ઓછો રહી શકે છે.
સપ્ટેમ્બરની 3 થી 15 તારીખ સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનો રાઉન્ડ શરૂ થશે. જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર સૌથી વધુ રહી શકે છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છના કાંઠાના કેટલાક વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. તેમજ આ વિસ્તારોમાં મહત્તમ તાપમાનની વાત કરીએ તો ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં તાપમાન સામાન્યથી વધુ રહી શકે છે. તેવી જ રીતે સૌરાષ્ટ્રના કેટલાક અંતરિયાળ વિસ્તારમાં પારો સામાન્ય રહેવાની શક્યતા છે. તેમજ સમગ્ર મહિના દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડવાની શક્યતા છે.
