કોલકાતામાં જુનિયર ડોક્ટર પર રેપ-મર્ડર કેસના વિરોધમાં હડતાળ પર ઊતરેલા રાજ્યભરના રેસિડેન્ટ ડોક્ટરો વધુ એકવાર સ્ટાઈપેન્ડના મુદ્દે આજે હડતાળ પર ઉતર્યા છે. આ હડતાળ દરમિયાન રેસિડેન્ટ ડોક્ટરો ઈમરજન્સી સહિતની તમામ સેવાઓથી પણ અળગા રહ્યા છે. ડોક્ટરોનું કહેવું છે કે, ગુજરાત જ વધારે સ્ટાઇપેન્ડ આપતું રાજ્ય નથી દિલ્હી, બિહાર અને યુપીમાં પણ વધારે સ્ટાઈપેન્ડ આપવામાં આવે છે. અન્ય હોસ્પિટલમાં ડોક્ટરોને સિનિયર દ્વારા દબાવવામાં આવ્યા છે. જેથી હડતાળ નથી કરી. પરંતુ તેઓએ સમર્થન આપ્યું છે. હડતાળને લઈને સિવિલ સુપરિન્ટેન્ડન્ટ અને બીજે મેડિકલ કોલેજમાં ડીન વચ્ચે બેઠક ચાલી રહી છે. જેમાં JDA પ્રેસિડેન્ટ પણ હાજર છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બીજે મેડિકલ કેમ્પસમાં રેસિડેન્ટ અને ઇન્ટર્ન ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે. સ્ટાઈપેન્ડ મામલે ડોક્ટરોએ હડતાળ શરૂ કરી છે. જ્યાં સુધી સરકાર દ્વારા સ્ટાઈપેન્ડ વધારવાનું તથા સ્ટાઈપેન્ડ દર 3 વર્ષે વધારવાનો નિર્ણય કરવામાં નહીં આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે. 1 લાખથી વધુની રકમનું સ્ટાઈપેન્ડ લાંબા સમયથી રેસિડેન્ટ ડોક્ટરોને આપવામાં આવે છે. તેમાં પણ સરકારે 20 ટકાનો વધારો કરીને 1.30 લાખ સુધીનું કર્યું છે. દેશમાં અન્ય રાજ્યોમાં આપતા સ્ટાઈપેન્ડની સામે ગુજરાતમાં રેસિડેન્ટ ડોક્ટરોને અપાતું સ્ટાઈપેન્ડ વધુ છે. વધુમાં અન્ય રાજ્યોમાં ત્રણ વર્ષના બોન્ડ જેની સામે ગુજરાતમાં એક જ વર્ષનો બોન્ડ છે. આ ઇન્ટર્ન અને રેસિડેન્ટ ડોક્ટરોને ભણાવતા કરાર આધારિત પ્રોફેસરો કરતાં વધુ રકમ સ્ટાઇપેન્ડરૂપે આ રેસિડેન્ટ ડોક્ટરોને અપાય છે.
બીજે મેડિકલ કોલેજના જુનિયર ડોક્ટર એસોસિએશનના પ્રમુખ ધવલ ગામેતીએ જણાવ્યું હતું કે, સતત છેલ્લા છ મહિનાથી સ્ટાઈપેન્ડ વધારા બાબતે આરોગ્યમંત્રી તથા આરોગ્ય વિભાગના અધિકારીઓ સમક્ષ કાયદાકીય રીતે રજૂઆત કરી છે. આ રજૂઆતો મુજબ દર ત્રણ વર્ષે જુનિયર ડોક્ટરોના સ્ટાઈપેન્ડમાં 40% વધારો થતો હોય છે. જેનો આખરી વધારો 1 એપ્રિલ, 2021માં થયો હતો. જેના ત્રણ વર્ષ 31 માર્ચ, 2024ના રોજ પૂર્ણ થયાં હતા. અમારી માગ સરકારના પરિપત્ર મુજબ 1 એપ્રિલ, 2024થી અમારા સ્ટાઈપેન્ડમાં 40%ના વધારા માટે હતી. પરંતુ સ્ટાઈપેન્ડ વધારવામાં પણ 50 ટકાનો કાપ મૂક્યો છે. જેથી અમે હડતાળ કરી રહ્યા છે.
વધુમાં જણાવ્યું હતું કે, અન્ય રાજ્યોની વાત કરવામાં આવે તો દિલ્હી, યુપી અને બિહારમાં પણ વધારે સ્ટાઈપેન્ડ આપવામાં આવે છે. અન્ય રાજ્યોમાં અનેક સરકારી મેડિકલ કોલેજ છે. જ્યારે ગુજરાતમાં માત્ર 6 મેડિકલ કોલેજ છે. જેમાં 1995 બાદ એકપણ સરકારી મેડિકલ કોલેજ શરૂ કરવામાં આવી નથી. હડતાળ એ છેલ્લું શસ્ત્ર છે. અમારી વાતચીત થયા બાદ સરકાર પોતાની વાત પરથી ફરી ગઈ છે. અમદાવાદની બીજે મેડિકલ કોલેજ પણ લડવા તૈયાર છે. અન્ય કોલેજમાં સિનિયર ડોક્ટરોએ કામ કરવું પડશે એટલે જુનિયર ડોક્ટરોને દબાવવામાં આવે છે, જુનિયર ડોક્ટરો પાસે કામ કરાવવામાં આવે છે. અમને સમર્થન મળ્યું છે આવતીકાલથી અન્ય સરકારી હોસ્પિટલમાં પણ ડોક્ટરો હડતાળ પર ઊતરશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં રેસિડેન્ટ ડોક્ટરો હજી સુધી હડતાળ પર ઉતર્યા નથી. આજે સોમવારે સવારથી જ ડોક્ટરો રાબેતા મુજબ પોતાની ડ્યૂટી ઉપર હાજર હતા. શહેરના સરસપુર વિસ્તારમાં આવેલી શારદાબેન હોસ્પિટલ, એલિસબ્રિજ નગરી આંખની હોસ્પિટલ, મણીનગર એલજી હોસ્પિટલ અને એસવીપી હોસ્પિટલ ખાતે રેસિડેન્ટ ડોક્ટરો પોતાની સવારની ઓપીડીમાં હાજર જોવા મળ્યા હતા. કોઈપણ દર્દીને હાલાકીનો સામનો કરવો પડ્યો નથી. જો કે, બપોરે 1 વાગ્યા બાદ ડોક્ટરો હડતાળ ઉપર ઉતરે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.
મળતી માહિતી મુજબ રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં સવારથી દર્દીઓને કોઈ હાલાકી નથી, રાબેતા મુજબ રેસિડેન્ટ ડોક્ટરો પોતાની તપાસ માટે આવ્યા હતા. જો કે, બપોર બાદ રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર જવાના છે. જેથી બપોરે ત્રણ વાગ્યાથી પાંચ વાગ્યા સુધીની ઓપીડીમાં અસર થઈ શકે તેમ છે. પરંતુ હજી સુધી બપોર બાદ હડતાળ કરવી કે કેમ તે અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. હોસ્પિટલોના સુપરિટેન્ડેન્ટ સુધી આ માહિતી પહોંચાડવામાં આવી છે. પરંતુ સત્તાવાર રીતે કોઈ જાણકારી મળી નથી.
સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળને લઈને સિવિલે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. ડો. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળને લઈને ઇમર્જન્સી અને OPDને અસર થઈ શકે છે. અમે સરકાર પાસે વધારાના મેડિકલ ઓફિસરની માગ કરી છે. વધારાના 50 મેડિકલ ઓફિસર ફાળવવામાં આવ્યા છે. 25 નોન ટીચિંગ સ્ટાફ પણ હાજર રહેશે. 36 અન્ય ડોક્ટરો પણ હાજર રહેશે. તમામ ડોક્ટરોની રજા કેન્સલ કરવામાં આવી છે. દર્દીઓનાં એવાં ઓપરેશન કે જેમાં ઇમર્જન્સીની જરૂર ન હોય તે રિ-શિડ્યુલ કરવામાં આવશે. અંદાજિત 50 ટકા જેટલી સર્જરી અને પ્લાન્ટ ઓપરેશન મોકૂફ રાખવામાં આવશે. અત્યારે ઈમર્જન્સીને પ્રાથમિકતા આપવામાં આવશે. બહારથી આવેલા દર્દીઓ જે પરત ના જઈ શકે તેમને આજે દાખલ કરવામાં આવશે. OPD ચાલુ જ છે, OPD સમય કરતાં મોડી પૂરી થઈ શકે છે. વર્ગ 4ના કર્મચારીઓને બોનસ અને પે સ્લિપ સંલગ્ન પ્રશ્ન હતા તે મુદ્દે ચર્ચા કરવામાં આવી છે. એજન્સી અને વર્ગ 4ના કર્મચારીઓને સાથે બેસાડીને વાત કરવામાં આવી છે. હાલ વર્ગ 4ના કર્મચારીઓ કામ પર પરત ફર્યા છે.
સુરતની સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં તમામ સેવાઓ રાબેતા મુજબ ચાલુ છે, કોઈ હડતાળ નથી. રેસિડેન્ટ તબીબો હાલ આ હડતાળમાં જોડાયા નથી. હાલ બેઠક બાદ જે નિર્ણય કરવામાં આવશે, જ્યારે વડોદરાના રેસિડેન્ટ ડોક્ટરો બેઠક યોજ્યા બાદ હડતાલ અંગે નિર્ણય કરશે. હાલમાં સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલમાં તમામ સેવાઓ ચાલુ છે.
રાજ્ય સરકાર દ્વારા અખબારી યાદી જાહેર કરી જણાવવામાં આવ્યું હતું કે, જુનિયર ડોક્ટર્સ એસોસિયેશન દ્વારા 40 ટકા સ્ટાઇપેન્ડ વધારા માટે હડતાળ કરવાની રાજ્ય સરકારને ચીમકી અપાઈ છે જે સંપૂર્ણપણે ગેરવાજબી છે. દર્દીઓની સારવારના ભોગે તેમનો આ નિર્ણય અમાનવીય છે. આ ચીમકી દ્વારા દર્દીઓને બાનમાં લેવાની પ્રવૃત્તિ બિલકુલ સાંખી લેવાય તેમ નથી. ખરી પરિસ્થિતિ તો એ છે કે, રેસિડેન્ટ ડોક્ટરોને દેશમાં સૌથી વધુ સ્ટાઇપેન્ડ આપનાર રાજ્યોમાં ગુજરાત અન્ય રાજ્યોની સરખામણીમાં અગ્રેસર છે. ગુજરાતમાં ઇન્ટર્ન અને રેસિડેન્ટ ડોક્ટરોને અપાતું સ્ટાઇપેન્ડ ટેક્સ ફ્રી છે. જ્યારે આ રેસિડેન્ટ ડોક્ટરોને ભણાવતા પ્રોફેસરના પગાર ઉપર પણ ટેક્સ લાગે છે.
1 લાખથી વધુની રકમનું સ્ટાઇપેન્ડ લાંબા સમયથી રેસિડેન્ટ ડોક્ટરોને આપવામાં આવે છે. તેમાં પણ સરકારે 20 ટકાનો વધારો કરીને 1.30 લાખ સુધીનું કર્યું છે. દેશમાં અનેક રાજ્યોમાં 40 હજારથી 70 હાજર સ્ટાઇપેન્ડની સામે ગુજરાતમાં રેસિડેન્ટ તબીબોને અપાતું સ્ટાઇપેન્ડ 1 લાખથી વધુ છે. વધુમાં અન્ય રાજ્યોમાં ત્રણ વર્ષના બોન્ડ જેની સામે ગુજરાતમાં એક જ વર્ષનો બોન્ડ છે. આ ઇન્ટર્ન અને રેસિડેન્ટ ડોક્ટરોને ભણાવતા કરાર આધારિત પ્રોફેસરો કરતાં વધુ રકમ સ્ટાઇપેન્ડ રૂપે આ રેસિડેન્ટ ડોક્ટરોને અપાય છે. રેસિડેન્ટ ડોક્ટરોને ભણાવતા પ્રોફેસર કરતાં પણ વધુ સ્ટાઇપેન્ડ થાય તેવી આ રેસિડેન્ટ ડોક્ટરોની માંગણી સંપૂર્ણપણે ગેરવાજબી છે.
