શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે રાજ્યના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો

ગુજરાતમાં ગત સપ્તાહ દરમિયાન અત્યંત ભારે વરસાદ વરસ્યો હતો. જોકે, શનિવારથી મેઘરાજાએ વિરામ લીધો હતો. આ વચ્ચે હવામાન વિભાગે આજે રાજ્યના નવ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને સાત જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. આજે શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે રાજ્યના અનેક જિલ્લામાં ધોધમાર વરસ્યો છે. તાપીના સોનગઢમાં સાડા સાત ઈંચ વરસાદ ખાબકતાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. જેથી ઝાંખરી નદી ગાંડીતૂર બની છે. તો ડાંગના વાઘઈમાં પોણા સાત ઈંચ વરસાદ વરસ્યો છે. ડાંગની ખાપરી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. જ્યારે લુણાવાડાની બજારોમાં નદીઓની માફક પાણી વહેતું થયું છે. બીજી તરફ પૂરની સ્થિતિમાંથી બહાર આવેલા વડોદરામાં ફરી વરસાદ વરસ્યો છે.

નવસારી જિલ્લા તથા ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જવાની શરૂઆત થઇ ચુકી છે. જેના પગલે નવસારી જિલ્લા તંત્ર સતત ખડેપગે જાહેર જનતાને કોઇ પણ અગવડ ન પડે તેની પુરેપુરી તકેદારી રાખી કામગીરી કરી રહ્યું છે. વાંસદા તાલુકામાં અંબિકા નદીના જળસ્તરમાં વધારો થતા સરા ગામમાં ગામીત ફળિયામાં તથા ખંભાલિયા ગામના માછીવાડ વિસ્તારમાં પાણી ભરાઇ ગયું હતું. વાંસદા તાલુકા તંત્રની સતર્કતાના પરિણામે આ ગામોના 13 નાગરિકોને સલામત સ્થળે ખસેડાયા હતા.

ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે નવસારીની અંબિકા નદીની સપાટીમાં વધારો, બીલીમોરા નજીક આવેલા ધમડાછા લો લાઈન બ્રિજ ઉપરથી અંબિકા નદીના પાણી ફરી વળ્યા. પાણીનો પ્રવાહ વધારે હોવાના કારણે આસપાસ આવેલા ગામોને સાવચેત રહેવા માટે અપીલ કરાઈ. દેવધા ડેમમાં પણ સતત પાણીની આવક નોંધાઈ છે.

વ્યારા તાલુકાના પેરવડ ગામેથી પસાર થતી ઝાંખરી નદીમાં ભરપૂર પાણીની આવક થઈ છે. પેરવડ ગામે રોડ પરથી પાણી પસાર થતા બ્રિજ નજીક રોડનો ભાગ ધોવાયો છે. જેથી હાલ પેરવડ તરફ જતો માર્ગ સાવચેતીના ભાગરૂપે બંધ કરાયો છે. વરસાદે જનજીવન પ્રભાવિત કરતા વાહન ચાલકોની સમસ્યા વધી છે.

તાપી જિલ્લામાં આજે ધોધમાર વરસાદ વરસ્યો છે. સોનગઢ તાલુકામાં તેમજ ઉપરવાસમાં પડેલા વરસાદ વચ્ચે રોડ રસ્તા પાણી પાણી થયા છે. સોનગઢ થી ટોકરવા થઈ વ્યારાને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થયો છે. સોનગઢ થી સાપુતારા તરફ જતા માર્ગ પર પણ પાણી ફરી વળ્યા છે. સાવચેતીના ભાગરૂપે માર્ગ બંધ કરવા આવ્યો છે.

દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં સવારથી વરસાદ શરૂ થયો છે. ડાંગ જિલ્લામાં ગત રાતથી વરસી રહેલા વરસાદને કારણે સ્થાનિક નદી બે કાંઠે વહેતી થઈ છે. બીજી તરફ નવસારી જિલ્લાના ઉપરવાસ ડાંગમાં વરસાદથી કાવેરી અને અંબિકા નદીના જળસ્તર વધવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. વહીવટી તંત્ર દ્વારા બે થી અઢી વાગ્યા સુધીમાં નદીઓમાં પાણી વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારના લોકોને સાવચેત કરાયા છે. ગણદેવી તાલુકા સહિત બીલીમોરા શહેરમાં બે વખત પૂરથી મુશ્કેલીમાં મુકાયા હતા.

ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ચાર કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ પડતા ડાંગ જિલ્લાનું જનજીવન પ્રભાવિત થયું છે. ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં આવેલા ઝાવડા ગામ પાસેનાં માર્ગ પર ખાપરી નદીના પાણી ભરાઈ ગયા છે. ખાપરી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. ચારેબાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને પગલે છેલ્લા એક અઠવાડિયાથી નર્મદા જિલ્લામાં સતત વરસાદ પડી રહ્યો હતો, પરંતુ છેલ્લા બે દિવસથી મેઘરાજાએ નર્મદામાં વિરામ લીધો હતો. ત્યારે આજરોજ ફરી કાળા વાદળો સાથે ધીમીધારે વરસાદ શરૂ થયો છે. આજે વહેલી સવારથી જ નર્મદાના તિલકવાડા અને ગરૂડેશ્વર વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. નર્મદાના અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ પડતાં ચારે બાજુ પાણી પાણીના દૃશ્યો જોવા મળ્યા હતા.

પૂરની સ્થિતિ બાદ ફરી એકવાર વડોદરા શહેરમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. જેથી સામાન્ય જનજીવન ઉપર અસર જોવા મળી રહી છે. સ્કૂલમાં મૂકવા જતાં વાલીઓ બાળકને સ્કૂલે પહોચાડવામાં ક્યાંકને ક્યાંક મુશ્કેલીમાં જોવા મળ્યા હતાં, તો નોકરી ધંધા માટે જતાં લોકોને પણ સતત ધીમીધારે વરસતા વરસાદ વચ્ચે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આજવા સરોવરના રુલર લેવલ સુધી પાણી ખાલી કરી દેવામાં આવ્યું છે. જો ઉપરવાસમાં ભારે વરસાદ વરસે તો વડોદરા શહેર માટે કોઈ ચિંતાનો વિષય નથી. અત્યાર સુધીમા વડોદરા શહેરમા સિજનનો 51.90 ઇંચ વરસાદ વરસી ચુક્યો છે. હાલમા આજવા સરોવરની સપાટી 211.95 ફુટ છે, જ્યારે વિશ્વામિત્રી નદી કાલાઘોડા ખાતે 16 ફૂટે વહી રહી છે. ભારે વરસાદ થાય અને વડોદરામાં વધું વરસાદ વર્ષે તો ફરી ચિંતા વ્યાપી શકે છે પરંતું હાલમા કોઈ શક્યતાઓ નથી.

આજે વહેલી સવારથી ગાંધીનગરનાં વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે સવારથી ગાંધીનગરમાં ધીમી ધારે વરસાદનું આગમન થયું છે. કેટલાય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડવાની સાથે ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. ઓગસ્ટના અંતમાં મેઘરાજાએ વિરામ લીધા પછી છેલ્લા કેટલાક દિવસોથી નગરજનો ઉકળાટ અનુભવી રહ્યા હતા અને ગરમીનું પણ પ્રમાણ વધી ગયું હતું. આજ સવારથી ફરી પાછો વરસાદી માહોલ જામતા વાતાવરણમાં આંશિક ઠંડક પ્રસરી ગઈ છે.

Leave a comment