હવામાન વિભાગ દ્વારા આગામી એક સપ્તાહ માટે રાજ્યમાં આગાહી કરવામાં આવી

હવામાન વિભાગ દ્વારા આગામી એક સપ્તાહ માટે રાજ્યમાં આગાહી કરવામાં આવી છે. એ મુજબ ગુજરાતમાં આજે (31 ઓગસ્ટ) વરસાદને લઈને કોઈ વોર્નિંગ આપવામાં આવી નથી, પણ આવતીકાલે (1 સપ્ટેમ્બર) પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. એ બાદ ત્રણ દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે વિવિધ જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ જારી કરવામાં આવેલું છે. બંગાળની ખાડીમાં પણ ડીપ ડિપ્રેશન સર્જાઇ રહ્યું છે અને મોન્સૂન ટ્રફ નલિયાથી બંગાળ સુધી વિસ્તરેલું છે, જેથી અતિભારે વરસાદ વરસવાની શક્યતા રહેલી છે.

આજ સમયગાળામાં સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરવામાં આવે તો 01 અને 02 સપ્ટેમ્બરના રોજ કોઈ વોર્નિંગ નથી. જ્યારે 03થી 06 સપ્ટેમ્બરના રોજ છૂટાછવાયાં સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાનની આગાહી મુજબ, 01 સપ્ટેમ્બરના રોજ પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરમાં છૂટાછવાયાં સ્થળે ભારે વરસાદ પડી શકે છે. 02 સપ્ટેમ્બરના રોજ ભરૂચ અને નર્મદામાં ઓરેન્જ એલર્ટ સાથે છુટાછવાયાં સ્થળોએ ભારે વરસાદ પડશે. 03 અને 04 સપ્ટેમ્બરના રોજ પૂર્વ સૌરાષ્ટ્રના જિલ્લાઓ, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં છુટાછવાયાં સ્થળે ભારે વરસાદ પડી શકે છે. 05 સપ્ટેમ્બરના રોજ ઉત્તર ગુજરાત અને કચ્છમાં છૂટાછવાયાં સ્થળોએ ભારે વરસાદ પડશે.

આસના ચક્રવાત વિશે હવામાન વિભાગે જણાવ્યું હતું કે હવે આ ચક્રવાતની ગુજરાતમાં અસર થશે નહીં. આ ચક્રવાત અત્યારે નલિયાથી પશ્ચિમ દિશામાં 360 કિલોમીટર દૂર છે. એ અરબ સાગરમાં ઉત્તર-પશ્ચિમ દિશા તરફ જઈ રહ્યું છે, જે અત્યારે ઓમાનના મસ્કતથી 720 કિલોમીટર દૂર છે. આ ચક્રવાત અત્યારે તીવ્ર છે, જે આવતીકાલ સવાર સુધી તીવ્ર રહેશે. પછીના 24 કલાકમાં એ ડિપ્રેશન બનશે. સામાન્ય રીતે ચક્રવાત દરિયામાં બનીને જમીન પર આવતા હોય છે, પરંતુ આ ચક્રવાત જમીનમાં બન્યું હતું અને ચોમાસામાં સતત એને ભેજ મળ્યો હતો. ઉપરાંત આરબ સાગરમાં પણ એને ભેજ મળ્યો છે. હાલમાં આ ચક્રવાતનો ગુજરાત પર કોઈ ખતરો નથી.

જમીન ઉપર ચક્રવાત બનીને સમુદ્રમાં ગયા હોય એ અસામાન્ય પ્રકારના ચક્રવાત છે. ઇતિહાસ જોતાં ભારતમાં આવી ત્રણ ઘટના જોવા મળી છે, જેમાંથી 2 ચક્રવાત અને 1 ડિપ્રેશન આ ત્રણેય દરિયામાં ગયા હતા. 1976માં ઓડિશાથી ચક્રવાત સર્જાઈને ગુજરાતમાંથી અરબ સાગરમાં પ્રવેશ્યું હતું. 1944માં ઝારખંડમાં ચક્રવાત સર્જાઈ ને મહારાષ્ટ્ર- દક્ષિણ ગુજરાતમાં થઈને અરબ સાગરમાં પ્રવેશ્યું હતું. જ્યારે 1986માં દક્ષિણ ગુજરાતમાં ડિપ્રેશન સર્જાઈને સૌરાષ્ટ્રમાં થઈને અરબ સાગરમાં પ્રવેશ કર્યો હતો.

Leave a comment