જી. કે. જન. અદાણી હોસ્પિ.માં ગાંધીધામની મહિલાની નાજુક અવસ્થા વચ્ચે થઈ સફળ પ્રસુતિ

જી.કે. જનરલ હોસ્પિટલમાં ગાંધીધામની મહિલાને હૃદય રોગની ગંભીરતા વચ્ચે પણ સફળ સિઝેરિયન પ્રસુતિ થઈ અને બાળક તથા માતાને બચાવી લેવામાં આવ્યા. હોસ્પિટલના ગાયનેક વિભાગના હેડ ડો. અશરફ મેમણ અને સ્ત્રી રોગ નિષ્ણાત ડો. કરિશ્મા ગાંધીના જણાવ્યા અનુસાર ગાંધીધામની ૩૨ વર્ષના હંસાબેન ચૌધરીને પ્રસુતિની પીડા ઉપડતા સ્થાનિક હોસ્પિટલની મુલાકાત લીધી, પરંતુ દર્દીનો ઇતિહાસ હૃદય રોગનો હોવાથી ગંભીર પ્રકારની પ્રસુતિ વખતે આઈ.સી.યુ. સહિતની આનુસંગિક સગવડો જરૂરી બનતા જી.કે.માં જવાની સલાહ આપવામાં આવી હતી.

સ્ત્રીરોગ નિષ્ણાત ડો.ચાર્મી પાવાણીએ કહ્યું કે, એ સલાહ અનુસાર મોડી રાત્રે હંસાબેન જી.કે. ના ઇમરજન્સી વૉર્ડમાં એડમિટ થયા એ  સાથે તબીબોએ તેમની ચકાસણી કરતા દર્દીની સમગ્ર ગંભીરતાનો અંદાજ આવી ગયો. ઇતિહાસ તપાસતા હૃદય રોગની નબળી અવસ્થા પણ જણાઈ. હૃદયમાં જુદા જુદા બીજા રોગ પણ હતા, પરંતુ અન્યત્ર ખસેડવાનો સમય ન હોતા ખાનગી કાર્ડીઓલોજીસ્ટના માર્ગદર્શન હેઠળ હોસ્પિટલના ગાયનેક, એનેસ્થેટિક અને મેડિસિન વિભાગની ટીમે સફળ સિઝેરિયન કરી તેમને ઉગારી લીધા.

ઓપરેશન દરમિયાન તબીબોની ટીમે સતત હૃદય ઉપર વોચ રાખી કોઈ પણ વિસંગતતા ઊભી થવા દીધી ન હતી. 

મહિલાની પ્રથમ પ્રસુતિ પણ હૃદયની નાજુક અવસ્થાને કારણે અધૂરી રહી હતી, પરંતુ હંસાબેનના સદનસીબે  અને તબીબોએ સમયને પારખી કરેલા નિર્ણયને સફળતા મળી. બંને માતા અને બાળકની તબિયત સ્થિર છે. આ શસ્ત્રક્રિયામાં ડો વિન્સી ગાંધી, ડો.આરઝૂ પટેલ, ડો.ધરની પટેલ, ડો.ખ્યાતિ ચૌધરી અને ડો.મુસ્કાન દોશી સહિત તબીબો જોડાયા હતા. મેડિસન વિભાગ તરફથી ડો.જયંતી સથવારા અને તેમની ટીમ તેમજ એનેસ્થેટિક વિભાગ અંતર્ગત ડો.ક્રિષ્ના કારા અને તેમની ટીમ સહિત નર્સિંગ સ્ટાફે જહેમત લીધી હતી.

Leave a comment