યુક્રેન યુદ્ધ વચ્ચે વડાપ્રધાન મોદી યુક્રેનની રાજધાની કિવ પહોંચ્યા

રશિયા-યુક્રેન યુદ્ધની શરૂઆતના અઢી વર્ષ બાદ વડાપ્રધાન મોદી યુક્રેનની રાજધાની કિવ પહોંચ્યા છે. તે ગુરુવારે રાત્રે પોલેન્ડથી રવાના થયા હતા. તેઓ 10 કલાકની ટ્રેનની મુસાફરી બાદ યુક્રેન પહોંચ્યા છે. વડાપ્રધાન મોદી યુક્રેનની રાજધાની કિવમાં 7 કલાક વિતાવશે.

પીએમ મોદી યુક્રેનની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન છે. 1991માં સોવિયેત યુનિયનના તૂટવાના કારણે યુક્રેનની રચના થઈ ત્યારથી કોઈ ભારતીય વડાપ્રધાને તેની મુલાકાત લીધી નથી.

પીએમ મોદીની આ મુલાકાત એટલા માટે પણ ખાસ છે કારણ કે 24 ફેબ્રુઆરી 2022ના રોજ રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો ત્યારથી નાટો દેશો સિવાય અન્ય કોઈ દેશના નેતાએ યુક્રેનની મુલાકાત લીધી નથી.

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ થોડા મહિના પહેલા પીએમ મોદીને યુક્રેન આવવાનું આમંત્રણ આપ્યું હતું. અગાઉ, મોદી અને ઝેલેન્સકી મે 2023માં જાપાનમાં જી-7 સમિટ દરમિયાન યુદ્ધ પછી પહેલી વાર મળ્યા હતા.

આ પહેલા જુલાઈમાં રશિયાની મુલાકાત દરમિયાન મોદીએ યુક્રેન યુદ્ધનો ઉકેલ વાતચીત દ્વારા લાવવા માટે પણ કહ્યું હતું. તેમણે પુતિનને કહ્યું હતું કે, ભારત શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે તમામ શક્ય સહયોગ આપવા તૈયાર છે.

મોદીએ કહ્યું હતું કે, જ્યારે નિર્દોષ બાળકોની હત્યા થાય છે, જ્યારે આપણે નિર્દોષ બાળકોને મરતા જોઈએ છીએ, ત્યારે તે આપણું હૃદય તૂટી જાય છે. એ પીડા બહુ મોટી છે. મેં પુતિન સાથે પણ આ અંગે વિગતવાર ચર્ચા કરી હતી.

જો કે, છેલ્લા અઢી વર્ષથી ચાલી રહેલા યુદ્ધ છતાં ભારતે ક્યારેય રશિયા વિરુદ્ધ કોઈ નિવેદન આપ્યું નથી અને ન તો રશિયા વિરુદ્ધ કોઈ પગલાંનું સમર્થન કર્યું છે.

Leave a comment