હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ ગુજરાત રાજ્યમાં વાતાવરણ અંગે આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી પાંચ દિવસ ગુજરાતમાં વરસાદની નહીંવત્ શક્યતા છે. તેમ છતાં આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ આગળ પાંચ દિવસ દરમિયાન ગુજરાતના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા હળવાં વરસાદી ઝાપટાં પડી શકે છે. એટલે કે, આગામી 7 થી 10 દિવસ ગુજરાતમાં મોટાભાગના જિલ્લાઓમાં મધ્યમ કરતાં વધુ વરસાદની શક્યતા નહીંવત્ છે. જ્યારે આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા આજે એટલે કે, 14 ઓગસ્ટના રોજ ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવા વરસાદી ઝાપટાં વરસી શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. પરંતુ અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ સાફ આકાશ દેખાઇ રહ્યું છે અને તેની સાથે સાથે જ તડકો પણ છે. ગઈકાલની જેમ આજે પણ અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 32થી 33 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહી શકે છે. વાતાવરણના ઉપરી સ્તરમાં સામાન્ય વાદળ અને ભેજ હોવાથી અમદાવાદવાસીઓને આજે બફારો પણ સહન કરવો પડી શકે છે. ઉપરાંત આજે માછીમારોને દરિયો ન ખેડવા માટે કોઈ સૂચના જાહેર કરવામાં આવી નથી. તેમ છતાં દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારો દરિયો ન ખેડે એ જ હિતાવહ રહેશે.
ગઈકાલ સુધી ગુજરાત રાજ્ય પર જે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હતું તે હવે દક્ષિણ ગુજરાત તરફ વળ્યું છે. તેને કારણે આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં એટલે કે, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત ઓગસ્ટ મહિનાના પાછલા પખવાડિયામાં ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે. હવામાન વિભાગ દ્વારા એક તરફ ઉત્તર ગુજરાતમાં સામાન્ય જ્યારે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય કે સામાન્ય કરતાં ઓછા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગઈકાલે જ ઓગસ્ટ મહિનામાં પાછલા સપ્તાહમાં એટલે કે, જે 22 થી 30 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે.
