16 રાજ્યોમાંથી 50 હજારથી વધુ પાટીદારોનું કચ્છ ભણી પ્રસ્થાન

15 મી ઓગસ્ટે દેશભરમાં રાષ્ટ્રભક્તિનું મોજુ ફરી વળશે પણ દેશની પશ્ચિમી સરહદે બેઠેલા કચ્છમાં સરહદી વિસ્તારના ગામડાઓમાં રાષ્ટ્રની સાથો સાથ ધર્મનો પણ જય જય કાર થશે, લગભગ વિતેલા 90 વર્ષની એક પરંપરા રહી છે કે, દેશના કોઇપણ ખૂણે કચ્છ કડવા પાટીદાર સમાજ વસતો હોય પણ શ્રાવણ માસમાં અને તેમાંય સાતમ-આઠમ પર્વની ઉજવણી માટે તે અથવા તેના પરિવારના પ્રતિનિધિ અચુક કચ્છ આવે આવે અને આવે, આ વખતે સારા વરસાદને પગલે 50 હજારથી વધુ પાટીદારો સુના પડેલા ગામડા અને કચ્છના અર્થતંત્રને ગજાવશે. માદરે વતન કચ્છને દિલોજાનથી ચાહતા અને સંગઠીત થઇને કચ્છના જ નામોલ્લેખ સાથે દેશભરમાં પથરાયેલા અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજમાં શ્રીકૃષ્ણ પ્રત્યેનો પ્રેમ પણ મા ભોમ જેવો જ નક્કર છે. કર્મ અર્થે અલગ અલગ રા્જયોમાં વસતો અને સુખી-સંપન્ન થયેલો સમાજ શ્રાવણમાં બાપ-દાદાની ધરતી પર હસતો-ખેલતો પરત આવે છે, ઢોલ, શરણાઇના તાલે કચ્છમાં રોકાય ત્યાં સુધી રોજ સાંજે સમાજવાડીમાં દાંડિયારાસ, ભજન, કિર્તન, સત્સંગ, કૃષ્ણજન્મોત્સવ, મટકી ફોડ અને સાથોસાથ રષ્ટ્રીયપર્વ 15 મી ઓગસ્ટના ધ્વજવંદન કરે છે અને છોડી દીધેલા ગામ, જમીન, અડોશ, પડોશ, મંદીર, તળાવ સૌની મુલાકાત લઇ પોતાની હયાતીના હસ્તાક્ષર કરે છે.

આખુ વર્ષ સન્નાટો અને સુનકાર ઓઢી બેઠેલા નખત્રાણા, લખપત, અબડાસા, ભુજ તા.ના સરહદી ગામોમાં આ પરીવારોનું આગમન રાષ્ટ્રભક્તિ, ધર્મભાવના અને પારિવારીક ભાવનાના વાવેલા બીજને વટવૃક્ષ બનાવે છે.

અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના પ્રમુખ અબજીભાઇ કાનાણી અને મૂળ દયાપરના હાલ સુરત નિવાસી રમેશ પારસિયા કહે છે કે, પશ્ચિમ કચ્છમાં નખત્રાણા, લખપત, તાલુકાના સરહદને અડીને આવેલા ગામડાઓમાં તેઓના મુળીયા છે. પાણીના અભાવે હિજરત નથી કરી પણ સ્થળાંતરીત થયા છે અને નિયમ બનાવ્યો છે કે, જન્માષ્ટમી પોતાના ગામમાં જ રંગેચંગે ઉજવી તથા ધ્વજવંદન પણ કરવું. 90 વર્ષથી આ પરંપરા ચાલે છે, આખો સમાજ તૈયારીમાં સહકાર આપે છે, નીજી વાહનોથી મોટા ભાગના આવે છે. પરિણામે, આર્થિકચક્ર વેગ પકડે છે, ઘણા આખો શ્રાવણ વતનમાં રોકાય છે, નવી પેઢી ખેતીની જમીનોથી દુર ન થાય અને પરંપરાથી દૂર ન ભાગે એટલે રાસ-સત્સંગ થાય છે, વ્યસનોથી સમાજ મુક્ત છે.

સમાજના અગ્રણી અને દયાપર સમાજના પ્રમુખ રમેશ વાલજીભાઇ પારસિયા કહે છે આ વખતે દેશના અલગ અલગ રાજ્યોમાંથી 50 હજાર જેટલા કચ્છી પાટીદારો કચ્છ પહોંચશે જેમાં 17 હજાર મહારાષ્ટ્ર, 9 હજાર તામિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશથી 10થી 11 હજાર, દિલ્હી રાજસ્થાનમાંથી 1 હજાર પૂર્વોતરના સાત રાજ્યોમાંથી 5 હજાર, મધ્ય પ્રદેશ, છત્તીસગઢથી 3 હજાર જણનો સમાવેશ થાય છે.

Leave a comment