જી. કે. જનરલ અદાણી હોસ્પિટલમાં ૧૭ વર્ષની કિશોરીના જઠરમાં ગેંગ્રીનનું ઈમરજન્સી સફળ ઓપરેશન કરી  બચાવી લેવામાં આવી

જી.કે. જનરલ અદાણી હોસ્પિટલમાં ૧૭ વર્ષની કિશોરીના જઠરમાં ગેંગ્રીનનું ઈમરજન્સી સફળ ઓપરેશન કરી  બચાવી લેવામાં આવી હતી.

હોસ્પિટલના સિનિયર કન્સલ્ટન્ટ સર્જન અને એસો.પ્રોફે. ડો. હિરલ રાજદેવે સફળ ઓપરેશન કર્યા બાદ કહ્યું કે, ખાવડા વિસ્તારના સાધરા ગામની ૧૭ વર્ષની રૂક્ષાનાનું જઠર જરૂર કરતાં વધારે ફૂલી ગયું હતું અને તેને ગેંગ્રીનની(કાળું પડી જવું)અસર થઈ હતી. પરિણામે  રાત્રે ૧૧ વાગે જ તાકીદનું ઓપરેશન કરી ગેંગ્રીન વાળો ભાગ કાઢી નાખી જઠરને વધુ સડતું  અટકાવ્યું હતું.

દર્દી સાંજે હોસ્પિટલમાં પેટના દુ:ખાવાની ફરિયાદ સાથે આવ્યું, ત્યારે જુદા જુદા નિદાનાત્મક પરીક્ષણ કરાવતા કિશોરીના નાના આંતરડાના શરૂઆતના ભાગ ઉપર પેટની ધમનીઓના દબાણથી આંતરડામાં અટકાવ આવ્યો હતો. પરિણામે જઠર ફૂલી ગયેલું અને કાળું પડી ગયેલું જણાયું. તબીબના જણાવ્યા મુજબ માત્ર ગેંગ્રીન ઓપરેશન જ નહીં જઠર અને  નાના આંતરડા વચ્ચે બાયપાસ રસ્તો બનાવવાની જટીલ સર્જરી પણ કરવામાં આવી હતી. આ કાર્યમાં સર્જન ડો. આદિત્ય ડી. પટેલ અને નરેન્દ્ર ચૌધરી તેમજ યશ પટેલ પણ જોડાયા હતા.

Leave a comment