ભુજ અદાણી સ્કિલ ડેવ. દ્વારા નવા તાલીમ વર્ગોનો પ્રારંભ અને પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ

અદાણી સ્કિલ ડેવલપમેન્ટ ભુજ આયોજિત જુદા જુદા વર્ગો અંતર્ગત કૌશલ્ય પ્રાપ્ત યુવાઓને પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ અને બીજી ત્રણ નવી બેચનો પ્રારંભ કરાવતા ભુજ આર્મીના કર્નલ ડો રાખી નેગીએ સફળતા માટે અનુસાશન એ વિષય ઉપર પ્રેરણાદાયી શીખ આપતા કહ્યું હતું કે, જીવનના કોઈપણ ક્ષેત્રમાં સફળ થવું હોય તો સ્વયંશિસ્ત પ્રથમ પગથીયું છે કેમકે અનુશાસનનું પાલન કરવું શરૂઆતમાં કડવું લાગે પરંતુ તેનું પરિણામ મીઠું હોય છે.

        અદાણી મેડિકલ કોલેજના લેક્ચર હોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સક્ષમ પ્રમાણપત્રનું વિતરણ કરતા તેમણે પ્રેઝન્ટેશન દ્વારા આર્મીના અનુશાસિત જીવન પર તબક્કાવાર પ્રકાશ પાડી કહ્યું કે, આ અનુશાસન સ્વયંને નિયંત્રિત કરવાથી જ પ્રાપ્ત થાય છે. દેશ માટે જાન ન્યોછાવર કરતા જવાનો આ બાબતનું ઉદાહરણ છે. તેમણે અનુશાસન કેમ આવે છે, તે માટે શું કરવું જોઈએ એ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.

        અતિથિ વિશેષ પદેથી આર્મીના ફેમિલી વેલ્ફેર ઓર્ગેનાઈઝેશનના ચેર પર્સન શાલીની સિંગે અદાણી સ્કિલ ડેવલપમેન્ટના કાર્યક્રમોની સરાહના કરતા કહ્યું કે, અહીંનો કૌશલ્ય વર્ધન કાર્યક્રમ સ્ત્રી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ છે એટલે જ આ લશ્કરની મહિલાઓનું વધુ એક ગ્રુપ  સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં સામેલ થયું છે. આ પ્રસંગે જી. કે. જનરલ હોસ્પિટલના મેડિકલ એડમીન હેડ. ડો સ્વપ્નિલે સ્કિલ ડેવલપમેન્ટ કાર્યક્રમ દ્વારા યુવાનોની આવતીકાલ ઉજળી બનશે તે અંગે જાણ કરી હતી. આરંભમાં સક્ષમ સેન્ટરના અધિકારી એ ઉપસ્થિત મહેમાનોના સ્વાગતમાં જણાવ્યું હતું કે અદાણી સ્કિલ ડેવલપમેન્ટનો વ્યાપ સમગ્ર ભારતમાં છે, જેમાં દોઢ લાખથી વધુ તાલીમાર્થીઓ કંપની સાથે કુશળતા પ્રાપ્ત કરી ચૂક્યા છે અને ભવિષ્યમાં નોકરીની તકો પણ ઉત્તમ હોવાથી વધુને વધુ યુવાનો કૌશલ્ય પ્રાપ્ત કરે તે ઇચ્છનીય છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સક્ષમના માધવી ગુરવ અને શિવાની ઝાએ કર્યું હતું.

Leave a comment