બાળકોમાં જન્મજાત જોવા મળતા ફાટેલાં હોઠ અને ફાટેલાં તાળવાની વિષમ પરિસ્થિતિનું આયુષ્માન કાર્ડ અગરતો તો સ્કૂલ હેલ્થ અંતર્ગત જી.કે. જનરલ અદાણી હોસ્પિટલમાં વિનામૂલ્ય શસ્ત્રક્રિયા કરવામાં આવે છે.જી.કે.માં લાંબા સમયથી આવા ઓપરેશન થાય છે.
હોસ્પિટલના ઇ.એન.ટી સર્જન અને ચીફ મેડિકલ સુપ્રી.ડો.નરેન્દ્ર હિરાણી અને આસિસ્ટન્ટ ડીન તેમજ ઈ.એન.ટી. સર્જન ડો. અજીત ખીલનાનીએ કહ્યું કે, હોસ્પિટલમાં આવા ઓપરેશન ઉપરાંત ઓપરેશન પછી બાળકને સુનિયોજિત રીતે બોલવાનો ઉપચાર (સ્પિચ થેરાપી) પણ આપવામાં આવે છે, જેના નોંધપાત્ર પરિણામો પ્રાપ્ત થયા છે.
હોઠનું અને તાળવાનું ઓપરેશન જેમ બને તેમ નિર્ધારિત સમયમાં કરવું હિતાવહ છે. હોઠનું ઓપરેશન બાળકની ઉંમર ત્રણ મહિનાથી એક વર્ષનું થાય ત્યાં સુધીમાં અને તાળવાનું ઓપરેશન બાળક એક થી ૫-૬ વર્ષનું થાય ત્યાં સુધી માં જો કરી દેવામાં આવે તો સચોટ પરિણામ પ્રાપ્ત થાય છે .એમ ડો.રશ્મિ સોરઠીયાએ જણાવ્યું હતું.
બાળકમાં ફાટેલાં હોઠ અને ફાટેલાં તાળવા અથવા તો બન્ને પણ હોઈ શકે, તેવી સ્થિતિમાં તબીબનો સંપર્ક સાધી તાત્કાલિક ઓપરેશન કરાવી લેવું યોગ્ય રહે છે. જો નિશ્ચિત સમય ગાળામાં ઓપરેશન ન થાય તો બોલવામાં – ખાવાપીવામાં તકલીફ ઊભી થવા ઉપરાંત કાનમાં સંક્રમણ તેમજ કેટલીકવાર દાંત અને પેઢાની સમસ્યા પણ થઈ શકે છે.
બાળકમાં આવી ખામી સર્જાવાના કારણો અંગે તબીબોએ જણાવ્યું કે,એક તો માતા પિતાના જીન્સ જવાબદાર હોય છે તેમજ ગર્ભાવસ્થા દરમિયાન માતાની લાપરવાહી પણ કારણભૂત હોય છે.જેમકે બાળક ગર્ભમાં હોય ત્યારે શરાબ કે ધૂમ્રપાનનું સેવન કરવું અગરતો કેટલીક દવાનું સેવન પણ ભાગ ભજવે છે.
માતાએ ગર્ભાવસ્થા દરમિયાન તબીબોની સલાહનુસાર મલ્ટીવિટામિન દવા લેવી જોઈએ.
