જી. કે. જનરલ અદાણી હોસ્પિટલમાં મહિલાને ૫૫ યુનિટ પ્લાઝમા ચડાવી સારવાર આપી

    આજે કોઈપણ નાનું મોટું ઓપરેશન હોય કે કોઈપણ સઘન  સારવાર હોય તે માટે લોહીની જરૂર પડે છે અને દર્દીને જીવનદાન અગર તો ઘાતમાંથી ઉગારી શકાય છે. જી.કે. જનરલ અદાણી હોસ્પિટલમાં તાજેતરમાં આધેડ વયની  મહિલાને કરોડરજ્જુમાં સખત સૂજનને કારણે પગ કામ કરતા બંધ થઈ જવાને પગલે ૧૦૨૦૦ એમ.એલ.પ્લાઝમા (લોહીનું ઘટક)અર્થાત ૫૫ યુનિટ પ્લાઝમા ચડાવી સારવાર આપી, દર્દીના રોગને આગળ વધતો અટકાવી દેવામાં આવ્યો હતો.

    અબડાસા તાલુકાના એક આધેડ વયના બહેનને કરોડરજ્જુમાં સોજાને કારણે લોહીમાં રહેલા પ્લાઝમાને બદલી ફ્રેશ પ્લાઝમા  આપવા દાખલ કરવામાં આવ્યા હતા અને સતત પાંચ દિવસ ૨૦૦૦ એમ.એલ. આપી શરીરના મહત્વના અંગને બચાવી લેવાયો હતો એમ બ્લડ બેન્કના હેડ ડો. જીજ્ઞાબેન ઉપાધ્યાયએ જણાવ્યું હતું.

     મેડિસિન વિભાગમાં દાખલ થયેલા આ દર્દીની સારવાર કરનાર ડો. જયંતી સથવારાએ કહ્યું કે, દર્દી એક એક્યુટ ટ્રાન્સવર્ષ માઈલાયટીસ એટલે કે એક દુર્લભ ન્યુરોલોજીકલ પરિસ્થિતિથી પીડિત હતા. જેમાં કરોડરજ્જુમાં ચેપથી બળતરા થાય છે જેને કારણે આસપાસના સ્નાયુમાં નબળાઈ, દુખાવો અને મૂત્રાશયની તકલીફ ઊભી થાય છે તેમજ હાથ પગમાં કમજોરી આવે છે. આ કેસમાં દર્દીને પગમાં અસર થઈ હતી.

     આવી કોઈપણ પ્રકારની સ્થિતિ ટાળવા તબીબોએ ન્યુરો ફિઝિશ્યન તેમજ જી.કે.ના નેફ્રોલોજિસ્ટ ડો.હર્ષલ વોરાનું પણ આ કેસમાં માર્ગ દર્શન મેળવ્યું હતું.જો કે દર્દીને સંપૂર્ણ રાહત મળતા સમય લાગશે.પરંતુ દર્દ આગળ વધતાં અટકી ગયું છે.અને રજા પણ આપવામાં આવી છે.આમ લોહીના ઘટક પ્લાઝમાના ૫૫ યુનીટથી આધેડ મહિલાને મોટી રાહત મળી છે.

Leave a comment