ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો 67 ટકા વરસાદ

ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે છેલ્લા 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે. જેમાં નવસારીના ખેરગામમાં 9 ઈંચ, વલસાડ અને ધરમપુરમાં 7-7 ઈંચ વરસાદ નોંધાયો છે. આ દરમિયાન રાજ્યમાં સિઝનનો કુલ સરેરાશ વરસાદ 67 ટકાથી વધુ નોંધાયો છે. કચ્છ ઝોનમાં સૌથી વધુ 86 ટકાથી વધુ, દક્ષિણ ગુજરાતમાં 81 ટકાથી વધુ અને સૌરાષ્ટ્ર ઝોનમાં 77 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં 50 ટકા તેમજ પૂર્વ-મધ્ય ગુજરાતમાં 84 ટકાથી વધુ સિઝનનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.

દક્ષિણ ગુજરાતના વાપી અને વલસાડ સહિત ડાંગ જિલ્લામાં ભારે વરસાદના લીધે મોટાભાગની નદીઓએ ભયજનક સપાટી વટાવી દીધી છે. જેના પગલે વાપી-વલસાડ જિલ્લાની શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. ભારેથી અતિભારે વરસાદને અનુલક્ષીને વલસાડ જિલ્લાની વર્તમાન પરિસ્થિતિ અને હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા રેડ એલર્ટને ધ્યાને લઈ સુરક્ષાના ભાગરૂપે આજે (પાંચમી ઓગસ્ટે) વલસાડ, ધરમપુર અને કપરાડા તાલુકાની આંગણવાડી, શાળાઓ, કોલેજો અને આઇટીઆઇમાં જાહેર રજા જાહેર કરી હતી. તેમજ પારડી, વાપી, ગણદેવી,ચીખલી,બીલીમોરા અને ઉમરગામમાં પણ આજે શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય લીધો હતો.

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે (પાંચમી ઓગસ્ટ) બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. કચ્છ, પાટણ, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર,  અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદ થઇ શકે છે. જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટા, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, જુનાગઢ, પોરબંદર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુરમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

છઠ્ઠી ઓગસ્ટે વલસાડ બનાસકાંઠા, સાબરકાંઠા અને નવસારીમાં ભારે વરસાદ પડી શકે છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, કચ્છ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદર, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી અને ડાંગમાં હળવોથી મધ્યમ વરસાદની શક્યતા છે.

સાતમી ઓગસ્ટે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને રાજકોટમાં હળવોથી મધ્યમ વરસાદની શક્યતા છે.

આઠમી ઓગસ્ટે નવસારી અને વલસાડમાં ભારે વરસાદ પડી શકે છે. ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, વડોદરા, પંમચહાલ, દાહોદ, મહીસાગર, ખેડા, આણંદ, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી અને કચ્છમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

નવમી ઓગસ્ટે  નવસારી, વલસાડ, ભરૂચ અને સુરતમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે ભાવનગર, બોટાદ, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, પોરબંદર, જામનગર, ગીર સોમનાથ, અમરેલી, મોરબી, અમદાવાદ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, પંચમહાલ, નર્મદા, આણંદ, ખેડા, વડોદરા, તાપી અને ડાંગમાં હળવોથી મધ્યમ વરસાદની સંભાવના છે.

Leave a comment