અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ ભવિષ્યમાં વૈશ્વિક લોજિસ્ટિક્સ કંપની FedEx સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. સોમવારે ગૌતમ અદાણી અને FedExના સીઈઓ રાજેશ સુબ્રમણ્યમ વચ્ચે શુભેચ્છા મુલાકાત યોજાઈ હતી. આ ખાસ મુલાકાત દરમિયાન તેમણે કહ્યું હતું કે અદાણી જૂથ ભવિષ્યમાં FedEx સાથે મળીને કામ કરવા આતુર છે.
રાજેશ સુબ્રમણ્યમે મુન્દ્રામાં અદાણી ગ્રુપના વર્લ્ડ ક્લાસ પોર્ટ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (SEZ)ની મુલાકાત લીધી હતી. ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (Twitter) પર લખેલી એક પોસ્ટમાં સુબ્રમણ્યમનો આભાર માન્યો હતો.
અદાણી ગ્રૂપના ચેરમેને જણાવ્યું હતું કે, “ડિજિટલ ઇનોવેશન દ્વારા વૈશ્વિક લોજિસ્ટિક્સમાં ક્રાંતિ લાવી રહેલી ટોચની કંપનીના ટોચના સ્થાને એક ભારતીયને હોવું એ ખૂબ ગર્વની વાત છે.” તેમણે ઉમેર્યું હતું કે FedExના CEOનું વિઝન ખરેખર પ્રેરણાદાયી છે. અમે ભવિષ્યમાં તેમની સાથે કામ કરવા આતુર છીએ.
FedExના CEOએ ખાવડામાં અદાણી ગ્રીન એનર્જીના 30 GW પ્રોજેક્ટ સાઈટ અને મુન્દ્રામાં અદાણી પોર્ટ્સની મુલાકાત લીધી હતી. દેશમાં પોર્ટસ, એરપોર્ટસ અને લોજીસ્ટિક ક્ષેત્રમાં અદાણી જૂથ વર્ષોથી અગ્રણી સ્થાન ધરાવે છે. સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે તેમની કંપની માટે ભારત એક મોટું બજાર છે, કારણ કે સારી પ્રતિભાઓ અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને કારણે ભારત દેશની જીડીપી સતત વધી રહી છે.
FedEx એ વિશ્વની સૌથી મોટી એક્સપ્રેસ ટ્રાન્સપોર્ટેશન કંપનીઓમાંની એક છે, જે 220 થી વધુ દેશોમાં ઝડપી અને વિશ્વસનીય ડિલિવરી સેવા પૂરી પાડે છે. તાજેતરમાં ભારતમાં કંપનીએ તેની એડવાન્સ્ડ કેપેબિલિટી કોમ્યુનિટી લોન્ચ કરી છે, જે કંપનીના ટેકનોલોજીકલ અને ડિજિટલ ઈનોવેશન માટે હબ તરીકે સેવા આપશે.
