ઓલિમ્પિકમાં મનુ ભાકરને હેટ્રિકની આશા

પેરિસ ઓલમ્પિકમાં ભારતીય શૂટર મનુ ભાકર એક પછી એક સફળતા મેળવી રહી છે. મનુએ બે મેડલો જીત્યા બાદ હવે તેને ગોલ્ડ મેડલ જીતવાની તક મળી ગઈ છે. આજે મનુએ મહિલાઓની 25 મીટર પિસ્ટલની ફાઇનલમાં જગ્યા બનાવી છે. મનુ કુલ 590 પોઇન્ટ સાથે બીજા સ્થાને આવી ગઈ છે. બીજી તરફ શૂટર ઈશા સિંહે નિશાન કર્યા છે અને તે 18માં ક્રમાંકે છે. મનુની ફાઇનલ મેચ આવતીકાલે (3 ઑગસ્ટે) રમાવાની છે. તેની રમત જોતાં ભારતને ગોલ્ડ મેડલ મળવાની આશા છે.

મનુ ભાકર ઓલિમ્પિકમાં આત્મવિશ્વાસ અને મહેનત સાથે રેકોર્ડ ત્રીજા મેડલ તરફ આગળ વધી છે અને તેણે શુક્રવારે મહિલાઓની શૂટિંગની 25 મીટરની મેચમાં ફાઇનલમાં ક્વોલિફાય કરી લીધું છે. તો બીજી તરફ ઈશા સિંહ સ્પર્ધામાંથી બહાર થઈ ગઈ છે.

મનુએ પ્રિ-સિઝનમાં 294 પોઇન્ટ અને રેપિડમાં 296 પોઇન્ટ સાથે કુલ 590 અંકો મેળવ્યા છે, જેના કારણે તેણીએ ક્વોલિફિકેશનમાં બીજું સ્થાન મેળવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. મનુએ પ્રિ-સિઝનમાં શૂટિંગની 10-10 સિરિઝમાં ક્રમશ: 97, 98 અને 99 અંક મેળવ્યા છે, જ્યારે રેપિડમાં ત્રણ સિરિઝમાં ક્રમશ: 100, 98 અને 98 અંકો મેળવ્યા છે.

હંગેરીની શૂટર મેજર વેરોનિકાએ 592 અંક મેળવીને ઓલિમ્પિકના ક્વોલિફિકેશનના રેકોર્ડની બરાબરી કરી છે અને તેણી ક્વોલિફિકેશનમાં ટોચના ક્રમાંકે છે. જ્યારે ભારતીય શૂટર ઈશા સિંહ પ્રિ-સિઝનમાં 291 પોઇન્ટ અને રેપિડમાં 290 પોઈટ સાથે કુલ 581 અંકો મેળવીને 18માં સ્થાને રહેતા સ્પર્ધામાંથી બહાર થઈ ગઈ છે. જ્યારે ફાઇનલમાં ભારતીય શૂટર મનુ ભાકર સાથે કુલ આઠ શૂટરો પહોંચ્યા છે.

આ પહેલા મનુ ભાકરે વ્યક્તિગત 10 મીટર એર પિસ્ટલમાં કાંસ્ય(બ્રોન્ઝ) મેડલ જીત્યો છે, ત્યારબાદ શૂટર શરબજોત સિંહ સાથે મળીને મિશ્ર ટીમ કેટેગરીમાં પણ કાંસ્ય મેડલ જીત્યો છે. મનુ એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની ગઈ છે. આ ઉપરાંત ફાઇનલ મેચમાં તેને ગોલ્ડ મેડલ પણ જીતવાની તક મળી છે.

Leave a comment