અમદાવાદ સ્થિત અદાણી વિદ્યામંદિરમાં ગુરૂપૂર્ણિમા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ગુરૂપૂર્ણિમાના પાવન પર્વે વિદ્યામંદિરના ભૂલકાઓએ શિક્ષકગણની ગુરૂવર્ય વંદના કરી હતી. વિદ્યાર્થીઓએ ગુરૂજનોના ચરણ પખાળ્યા, તિલક-પુષ્પોથી વંદના કરી ગુરૂ-શિષ્ય પરંપરા નિર્વહનના આબેહૂબ દર્શન કરાવ્યા હતા. વિદ્યાર્થીઓએ ગુરૂપૂર્ણિમાના મહત્વને સમજાવતા પ્રસંગોનું મંચન કરી સૌના મન મોહી લીધા હતા.
ગુરૂપુર્ણિમાના પાવન અવસરે અદાણી વિદ્યામંદિર (AVMA) ખાતે જાણે પરંપરાગત ગુરુકુળ સમો માહોલ બની ગયો હતો. ગુરુ-શિષ્ય પંરપરાના ઐતિહાસિક વારસાને તાદૃશ કરવામાં આવ્યો હતો. વિદ્યામંદિરમાં પ્રવેશતા જ અલૌકિક વાતાવરણનો અનુભવ થતો હતો. શાળામાં ગુરૂજનોનું આગમન થતા જ વિદ્યાર્થીઓએ ગુરૂવંદનાના શ્લોકો અને પુષ્પોથી સ્વાગત અભિનંદન કર્યુ હતું. એટલું જ નહીં, ગુરૂજનોના ચરણ પખાળી પુષ્ષો અને કુમકુમ તિલક થકી વંદના કરી હતી.
ગુરુપૂર્ણિમાના એ આપણું ઘડતર કરનારા તમામ ગુરૂજનોના ઋણસ્વીકારનો અવસર છે. શિક્ષકોના ચરણ પખાળી બાળકોએ ગૂરૂજનો પ્રત્યે શ્રદ્ધા અને આદર વ્યક્ત કર્યો હતો. ગુરુદક્ષિણામાં વિદ્યાર્થીઓએ ખાતરીબદ્ધ વચનો આપ્યા હતા. તો વિદ્યાર્થીઓની ભાવવંદનાથી પ્રભાવિત શિક્ષકોએ ઉજ્વળ ભવિષ્યના શુભાશિષ પ્રદાન કર્યા હતા. ગુણવત્તાયુક્ત શિક્ષણને આગળ ધપાવતા AVMA અનોખુ યોગદાન આપી રહ્યું છે.
