સરહદી કચ્છ જિલ્લામાં મધરાતથી આજ સવાર સુધીમાં મેઘરાજાએ સાર્વત્રિક વરસીને અસલ અષાઢી માહોલની જમાવટ કરી છે. ખાસ કરીને સવારે વરેસલા વરસાદથી નખત્રાણામાં (70 મિમી) 3 ઇંચ કેટલો વરસાદ પડી જતા જળ બંબાકારની સ્થિતિ નિર્માણ પામી છે. નગરની બજારોમાં ફરી નદીની માફક ધોધ વહી નીકળતા વેપારીઓ, રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. તો બીજી તરફ ભારે જળ પ્રવાહના વહેણથી ફરી એક વખત ભુજ લખપત ધોરીમાર્ગ પરના વાહન વ્યવહારને અસર પહોંચી હતી,જ્યારે મથલ પાપડી બે કાંઠે વહેતા બન્ને તરફ ભારે ટ્રાફિકજામની સ્થિતિ નિર્માણ પામી છે. આ સિવાય માંડવી અને અબડાસા તાલુકામાં પણ વ્યાપક પ્રમાણમાં મેઘ વર્ષા થઈ છે. અબડાસાનો કંકાવટી ડેમ અને માંડવી શહેરનું ઐતિહાસિક ટોપણ સર તળાવ ઓવરફલો થઈ ગયું છે.ભુજમાં પણ પરોઢે જોરદાર વરસાદ ખાબકી પડતા જોશભેર પાણી વહી નીકળ્યા હતા. અમદાજીત એકાદ ઇંચ પાણી પડી ગયું હતું.
નખત્રાણા નગરમાં ગત મહિને પડેલા ત્રણ ઇંચ વરસાદમાં નગરના માર્ગો નદીમાં ફેરવાઈ ગયા હતા, તો આજે મંગળવાર સવારે પડેલા વધુ ત્રણ ઇંચ વરસાદમાં ફરી એજ પરિસ્થિતિ નિર્માણ પામી છે. વરસાદી આવ પર પાકા દબાણો બની જતા દર વર્ષે ચોમાસા દરમિયાન પડતા ભારે વરસાદથી જળ ભરાવની સ્થિતિ ઉતપન્ન થતી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. તેમણે માગ કરી હતી કે આ સમસ્યાનો વૈકલ્પિક માર્ગ શોધી ઉકેલ લવાય તે જરૂરી છે.
ભારે વરસાદના પગલે મથલ નદી પાસેના પુલ પરથી પાણી પસાર થતા રસ્તો બંધ થઈ જતા 4 કીમી સુધી ટ્રાફીક જામ થયો છે. બે વર્ષ પૂર્વજ મંજુર થયેલો પશ્ચિમ કચ્છને જોડતો રસ્તો બે ઇંચ વરસાદમાં બંધ થઈ ગયો છે.
સચરાસર અને વ્યાપક વરસાદ બાદ નખત્રાણા તાલુકાની મોટાભાગ ની નદીઓમાં પાણી રહી રહ્યા છે .ત્યારે નખત્રાણા તાલુકા ના નાના અંગિયા અને મોટા અંગિયા ગામની વચ્ચે આવેલ ભુખી નદીમાં વરસાદી પાણી ના પ્રવાહના કારણે નદીની પાપડી પર બનાવવામાં આવેલ ડામર રોડનો એક બાજુનો આખે આખો રોડ આરસીસી પર થી ઉખડી જતાં, આવતા જતા લોકોમાં કુતૂહલ ફેલાયું હતું. અને જણાવ્યું હતું કે, જે રીતે આખો રોડ નો લાંબો પટ્ટો વરસાદી પાણી ના પ્રવાહના કારણે આરસીસી રોડ ઉપરથી ઉખડી ગયું છે તે પાણીના પ્રવાહ ની ભયાનકતા દર્શાવે છે.
