બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર મધ્યપ્રદેશ થઈને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, જેથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં 26મી જુલાઈ સુધી સતત 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે આજે નખત્રાણામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. બજારોમાં નદીઓ વહેતી હોય એવું જોવા મળ્યું છે. ધસમસતા પાણીના પ્રવાહથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે તેમજ જામજોધપુરના સોગઠી ડેમમાં ગાબડું પડ્યું છે. બીજી તરફ અમદાવાદમાં પણ હાલ વરસાદ શરૂ થયો છે. આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં રાજ્યના 85 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
