કમલા હેરિસને રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી માટે બહુમત મળ્યો

અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીની રેસમાંથી બાઇડન બહાર થયાના 24 કલાકની અંદર કમલા હેરિસે ડેમોક્રેટિક પાર્ટી તરફથી નોમિનેશન માટે બહુમત મેળવી લીધો છે. ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, કમલા હેરિસને રાષ્ટ્રપતિ પદનાં ઉમેદવારી માટે અત્યારસુધીમાં 4 હજારમાંથી 1976 ડેલિગેટ્સનું સમર્થન મળ્યું છે.

1-7 ઓગસ્ટ સુધી ડેમોક્રેટ્સ નોમિનેશન માટે મતદાનનો પ્રથમ રાઉન્ડ યોજશે. રાષ્ટ્રપતિ જો બાઈડન 2024ની રાષ્ટ્રપતિની રેસમાંથી બહાર થયા પછી કમલા હેરિસે પ્રથમ વખત લોકોને સંબોધન કર્યું હતું.

વાઇસ-પ્રેસિડેન્ટ હેરિસે રાષ્ટ્રપતિના કાર્યની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રપતિ બાઈડને માત્ર ચાર વર્ષમાં એટલું કામ કર્યું છે કે જેટલું ઘણા રાષ્ટ્રપતિ બે કાર્યકાળમાં પૂર્ણ કરી શક્યા નથી. કમલા હેરિસ પેરિસ ઓલિમ્પિક પહેલાં વ્હાઇટ હાઉસ ખાતે અમેરિકન એથ્લીટ્સ માટે એક સન્માન સમારોહમાં પહોંચ્યાં હતાં. કોવિડ પોઝિટિવ હોવાને કારણે બાઈડન આ પ્રસંગે હાજર રહ્યા નહોતા.

હેરિસે કહ્યું હતું કે જ્યારે તેઓ એટર્ની જનરલ હતાં ત્યારે તેઓ સ્વર્ગસ્થ બ્યુ બાઈડનને મળ્યાં હતાં. તેમણે જ પહેલીવાર તેમના પિતા વિશે જણાવ્યું હતું. તેમનાં વખાણ કરતાં તેઓ ક્યારેય થાકતાં નહોતાં.

વર્ષો પછી મેં જાતે જોયું કે રાષ્ટ્રપતિ બાઈડન અમેરિકાના લોકો માટે દરરોજ કેવી રીતે લડાઈ લડે છે. અમેરિકા અને તેમના લોકો માટે તેમના હૃદયમાં ગાઢ પ્રેમ છે. અમે તેમના દેશ પ્રત્યેની તેમની સેવા માટે ખૂબ જ આભારી છીએ.

હેરિસે કહ્યું હતું કે બાઈડન આજે અહીં હોત, પરંતુ બીમારીને કારણે અહીં આવી શક્યા નથી. રાષ્ટ્રપતિ પદની રેસમાં સામેલ હેરિસે પોતાના પ્રથમ ભાષણમાં ચૂંટણી સંબંધિત કોઈ વાત કરી ન હતી.

અમેરિકાના પૂર્વ વિદેશમંત્રી હિલેરી ક્લિન્ટને અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ માટે કમલા હેરિસને સમર્થન આપ્યું છે. હિલેરી ક્લિન્ટન 2016માં ડેમોક્રેટિક પાર્ટી તરફથી યુએસ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હતાં. ત્યારે તેઓ ટ્રમ્પ સામે હારી ગયા હતા.

હિલેરી ક્લિન્ટને સોશિયલ મીડિયા પર લખ્યું, “હું કમલા હેરિસને લાંબા સમયથી ઓળખું છું. તેઓ એક પ્રતિભાશાળી વકીલ રહ્યાં છે. કમલા હેરિસ દોષિત ગુનેગાર ડોનાલ્ડ ટ્રમ્પ અને સ્વતંત્રતા છીનવતા ‘પ્રોજેક્ટ 2025’ના એજન્ડા સામે લડશે. જોકે તેઓ આ કામ એકલાં કરી શકે એમ નથી. હિલેરીએ દેશના લોકોને કમલા હેરિસનું સમર્થન કરવાની અપીલ કરી હતી.

CNNના એક સૂત્રને ટાંકીને કહ્યું કે બાઈડન તરફથી લીલી ઝંડી મળ્યા બાદ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે સમર્થન મેળવવા માટે 10 કલાક લોકો સાથે વાત કરી. આ દરમિયાન હેરિસે પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને બિલ ક્લિન્ટન તેમજ પૂર્વ વિદેશમંત્રી હિલેરી ક્લિન્ટન સાથે પણ વાત કરી હતી.

પાકિસ્તાન સમર્થક એલેક્ઝાન્ડ્રિયા ઓકાસિયો-કોર્ટેઝે કાશ્મીર પર ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું કે ટ્રમ્પને હરાવવા માટે અમારી પાર્ટી અને દેશ એક થાય તે પહેલાં કરતાં પણ વધુ મહત્ત્વપૂર્ણ છે. આ સિવાય ડેમોક્રેટિક સાંસદ કોરી બુશ અને ઇલ્હાન ઓમરે પણ હેરિસને સમર્થન આપ્યું છે.

Leave a comment