નાણા મંત્રીએ બજેટ રજૂ કરતી વખતે સ્ટાર્ટઅપ માટે મોટી જાહેરાત કરી છે. જેમાં સરકારે સ્ટાર્ટઅપ માટે પર લગાવવામાં આવતો એન્જલ ટેક્સ નાબૂદ કર્યો છે. વર્ષ 2012માં એન્જલ ટેક્સ લાગુ કરવામાં આવ્યો હતો. એવામાં જાણીએ કે આ એન્જલ ટેક્સ શું છે અને તેને હટાવવાની માંગ કેમ ચાલી રહી હતી.
સ્ટાર્ટઅપ કંપનીઓ કે અનલિસ્ટેડ કંપનીઓ તેમનો બિઝનેસ વધારવા માટે ફંડ એકઠું કરે છે. આ ફંડ ભેગું કરવા માટે અન્ય કંપની કે સંસ્થાને શેર આપવામાં આવે છે. આ શેર તેની નિશ્ચિત કિંમત કરતા પ્રીમિયમ એટલે કે ઊંચી કિંમતે વેચવામાં આવે છે. આથી શેર વેચવાથી જે વધારાની કિંમત મળે છે તે રકમને આવક ગણવામાં આવે છે. આ આવક પર જે ટેક્સ લાદવામાં આવતો તેને એન્જલ ટેક્સ કહે છે. આ પ્રક્રિયા આવકવેરા અધિનિયમ 1961ની કલમ 56 (2) (vii) (b) હેઠળ કરવામાં આવી હતી. મની લોન્ડરિંગ અટકાવવાના ઉદ્દેશ્યથી 2012માં એન્જલ ટેક્સની શરૂઆત કરવામાં આવી હતી.
સરકારે આ ટેક્સ મની લોન્ડરિંગ રોકવા માટે લાગુ કર્યો હતો. તેમજ તેની મદદથી તમામ વ્યવસાયોને ટેક્સ હેઠળ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સ્ટાર્ટએપને તેને મળેલા ફંડ પર 30.9 ટકા સુધીનો ટેક્સ ચૂકવવો પડતો હતો. જેના કારણે સ્ટાર્ટઅપ્સને નુકસાન થઈ રહ્યું હતું. આથી તેનો ભારે વિરોધ થઈ રહ્યો હતો.
એન્જલ ટેક્સ નાબુદ થવાથી સ્ટાર્ટઅપને ફાયદો થશે. જેથી સ્ટાર્ટઅપની સંખ્યામાં પણ વધારો થશે. તેમજ સ્ટાર્ટઅપ દ્વારા જે આવક થતી તેનાથી વધુ તો ટેક્સ ચૂકવવાનો રહેતો આથી ભારતીય સ્ટાર્ટઅપ ગ્લોબલ લેવલની કંપનીઓને ટક્કર આપવા સક્ષમ ન હતી, જે હવે થઈ શકશે.
