હવામાન વિભાગ દ્વારા આજે (20 જુલાઈ) સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ તો ક્યાંક ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હજુ પૂરતા પ્રમાણમાં વરસાદ વરસ્યો નથી. તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ સર્જાય છે. તેમાં પણ ખાસ કરીને દ્વારકા અને પોરબંદરમાં અત્યંત ભારે વરસાદ વરસ્યો છે. ત્યારે આજના દિવસે સૌરાષ્ટ્રના પોરબંદર અને દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની હવામાને આગાહી કરી છે.
સૌરાષ્ટ્ર-કચ્છ અને દ. ગુજરાતમાં અતિ ભારે વરસાદની વકી
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવએ જણાવ્યું હતું કે, હાલમાં ગુજરાત રાજ્ય પર ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે. જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગ પર સાયક્લોનિક સર્ક્યુલેશન તથા શિયર ઝોન અને દક્ષિણ ગુજરાતથી લઈને ઉત્તર કેરળ સુધી ઓફ શોર ટ્રફની રચના થઈ છે. જેને કારણે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિ ભારે વરસાદની શક્યતાઓ છે.
વધુમાં જણાવ્યું હતું કે, આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઝડપી ગતિએ પવન ફૂંકાવાની સાથે માછીમાર અને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે. આગામી ત્રણ દિવસ દરમિયાન ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં 45થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતાઓ છે. આ સાથે જ આગામી 48 કલાક સમગ્ર ગુજરાત રાજ્યમાં થંડરસ્ટોર્મની શક્યતાઓ છે.
હવામાન વિભાગ દ્વારા આ જિલ્લા ઉપરાંત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર સહિતના જિલ્લાઓમાં આજે વરસાદ માટે કોઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું નથી. કેટલાક જિલ્લામાં છુટાછવાય વરસાદી ઝાપટા વરસી શકે છે.
વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર સજ્જ છે એમ જણાવી રાહત કમિશનર આલોક પાંડેએ વિગતો આપી હતી. પાંડેએ વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મુખ્ય સચિવ રાજકુમાર અને વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા વરસાદની પરિસ્થિતિનું SEOC ખાતેથી સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. રાજ્ય તેમજ જિલ્લાકક્ષાએ 27×7 ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર કાર્યરત છે. રાજ્યકક્ષાએથી જિલ્લા કલેક્ટરોને વરસાદની પરિસ્થિતિને ધ્યાને રાખીને આવશ્યક પગલાં લેવા સૂચનાઓ આપવામાં આવી છે. રાજ્યમાં જિલ્લાઓની આવશ્યકતા મુજબ એનડીઆરએફની કુલ 10 ટીમ, એસડીઆરએફની કુલ 20 ટીમ ડિપ્લોય કરવામાં આવી છે. આ ઉપરાંત 5 એનડીઆરએફની ટીમ રિઝર્વ રાખવામાં આવી છે.
