HTAT મુખ્ય શિક્ષકોની બદલીના નિયમો જાહેર : આંતરિક જિલ્લા બદલી માટે 3 વર્ષ અને જિલ્લા ફેરબદલીમાં 5 વર્ષ

રાજ્યભરમાં HTAT મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષકો 16 જુલાઈએ પોતાની પડતર માગણીઓને લઈ ગાંધીનગર પહોંચ્યા હતા. પોતાની વર્ષો જૂની પડતર માગણીનો ઉકેલ લાવવાની માગ સાથે સત્યાગ્રહ છાવણીમાં ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું. આ વિરોધપ્રદર્શનના ચાર દિવસમાં જ રાજ્ય સરકારે નમતું મૂકી HTAT મુખ્ય શિક્ષકોની બદલીના નિયમો જાહેર કર્યા છે.

શિક્ષણ વિભાગના તા. 22/06/2011ના ઠરાવથી RTE ACT 2009 હેઠળ HTAT મુખ્ય શિક્ષકની નવી કેડર ઊભી કરવામાં આવી હતી. આ દરમિયાન HTAT મુખ્ય શિક્ષકની કેડરને શિક્ષણ વિભાગના તા. 15/03/2021ના ઠરાવથી શૈક્ષણિક કેડર જાહેર કરવામાં આવી હતી, તેથી મુખ્ય શિક્ષકોની માગણી હતી કે તેમને વહીવટી કર્મચારીના બદલીના સિદ્ધાતો લાગુ પાડવા જોઈએ નહીં. આ બાબત સરકારની સક્રિય વિચારણા હેઠળ હતી, જેનો જરૂરી અભ્યાસ કરી સરકારે આજ રોજ HTAT મુખ્ય શિક્ષકની બદલીના નિયમો જાહેર કર્યા છે .

(1) મહેકમ ગણવાની પદ્ધતિ

  • બાલવાટિકાથી ધો. 5માં 150 કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યા હોય, ત્યારે 1 મુખ્ય શિક્ષક મળવાપાત્ર થાય.
  • ધો.6થી 8માં 900 કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યા હોય, ત્યારે 1 મુખ્ય શિક્ષક મળવાપાત્ર થાય.
  • બાલવાટિકાથી ધો.8માં 150 કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યા હોય, ત્યારે 1 મુખ્ય શિક્ષક મળવાપાત્ર થાય.

(2) જિલ્લા આંતરિક બદલીની માગણી હોય ત્યારે મુખ્ય શિક્ષકની હાલની સ્કૂલમાં ઓછામાં ઓછી 3 વર્ષની નોકરી પૂર્ણ થયેલી હોવી જરૂરી.

(3) જિલ્લા ફેરબદલીની માગણી હોય, ત્યારે મુખ્ય શિક્ષકની હાલના જિલ્લામાં ઓછામાં ઓછી 5 વર્ષની નોકરી પૂર્ણ થયેલી હોવી જોઇએ. 50% જગ્યાઓ અગ્રતાથી અને 50% શ્રેયાનતાથી ભરવાની રહેશે.

(4) તબીબી કિસ્સાઓની બદલી, રાષ્ટ્રીય-રાજ્ય સુરક્ષા હેઠળના અધિકારી કર્મચારીઓના મુખ્ય શિક્ષક પતિ-પત્નીની બદલીઓ, રાજ્યના વડા મથકના બિન બદલીપાત્ર અધિકારી અને કર્મચારીઓના મુખ્ય શિક્ષક પતિ-પત્નીની બદલીઓ જેવા કિસ્સાઓમાં પણ બદલી અંગેની જોગવાઈ કરવામાં આવી છે.

(5) દર વર્ષે શિક્ષકોની સાથે મુખ્ય શિક્ષકનું મહેકમ શિક્ષણ વિભાગ નક્કી ક૨શે.

(6) જે-તે સ્કૂલમાં મહેકમ જળવાતું ન હોય તો તેમને પ્રથમ પગાર કેન્દ્રની મંજૂર મહેકમવાળી સ્કૂલોમાં ખાલી જગ્યા 52, એ પછી તાલુકાની મંજૂર મહેકમવાળી સ્કૂલોમાં ખાલી જગ્યાઓ 52, એ પછી જિલ્લાની મંજૂર મહેકમવાળી સ્કૂલોમાં ખાલી જગ્યા પર સમાવવામાં આવશે.

(7) જિલ્લા ફેર અને જિલ્લા આંતરિક અરસ પરસ બદલી

બઢતી કે સીધી ભરતીથી નિમણૂક પામેલ કોઈપણ મુખ્ય શિક્ષકની સામે અરસપરસ બદલી કરી શકાશે.

આંતરિક અને જિલ્લા ફેર અરસપરસ બદલીમાં મુખ્ય શિક્ષકની મહત્તમ ઉંમર 56 વર્ષ અને 55 વર્ષથી વધુ ન હોવી જોઇએ.

ઉલ્લેખનીયે છે કે તારીખ 16 જુલાઈ 2024ના રોજ રાજ્યભરમાં HTAT મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષકો પોતાની પડતર માગણીઓને લઈ ગાંધીનગર પહોંચ્યા હતા. પોતાની વર્ષો જૂની પડતર માગણીનો ઉકેલ લાવવાની માગ સાથે સત્યાગ્રહ છાવણીમાં ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું. HTAT શિક્ષકોની બદલીના નિયમો જાહેર કરવા અને બાલવાટિકાથી ધોરણ 8ની શાળામાં જ્યાં 150 વિદ્યાર્થીઓ હોય એવી શાળાઓમાં એક HTAT મુખ્ય શિક્ષક આપવાની સહિતની પડતર માગણીઓનો ઉકેલ લાવવાની માગ કરવામાં આવી હતી.

Leave a comment