છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલા ભેજવાળા વાતાવરણને કારણે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં 2થી 11 વર્ષ સુધીના બાળકોમાં હાઈગ્રેડ તાવ તેમજ ઓરી જેવા લાલા દાણાના કેસમાં લગભગ 40 ટકાનો વધારો થયો છે. વાઈરલ ઈન્ફેક્શનના આ કેસ સાથે બાળકોમાં ઝાડા-ઊલટી જેવા પાણીજન્ય રોગના કેસ પણ વધ્યા છે.
ચાઈલ્ડ સ્પેશિયાલિસ્ટ ડો. મોનાબહેન દેસાઈના જણાવ્યા અનુસાર ભેજવાળા વાતાવરણને કારણે વાઈરલ ઈન્ફેક્શનના કેસ વધ્યા છે. હાલ હોસ્પિટલની ઓપીડીમાં સારવાર માટે આવતાં પ્રત્યેક 100માંથી અંદાજે 70 બાળકમાં હાઈગ્રેડ ફીવર અને ઓરી જેવા ઝીણા લાલ દાણા જોવા મળી રહ્યા છે. જો કે તેમણે આ લક્ષણ સ્કારલેટ ફીવર નહીં હોવાની સ્પષ્ટતા કરી હતી. વધારામાં બાળકોને ઈન્ફેક્શનથી આવતો તાવ કાબૂમાં આવતાં 5થી 7 દિવસ લાગે છે.
સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોષીના જણાવ્યા અનુસાર, સામાન્ય રીતે ઓપીડીમાં સરેરાશ 3 હજાર દર્દી આવતા હોય છે. પરંતુ હાલના વાતાવરણને કારણે ઓપીડી વધીને 3500એ પહોંચી ગઈ છે. વાઈરલ ઈન્ફેક્શનના કેસમાં છેલ્લા એક અઠવાડિયામાં જ 20થી 30 ટકાનો વધારો થયો હતો. સિવિલની ઓપીડીમાં છેલ્લા એક અઠવાડિયામાં જ અંદાજે 25 હજાર દર્દીએ સારવાર લીધી હતી. જૂનમાં વાઈરલ ઈન્ફેક્શનના 327 કેસ આવ્યા હતા.
સોલા સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડો. દીપિકાબહેન સિંઘલના જણાવ્યા અનુસાર, હોસ્પિટલની ઓપીડીમાં 8થી 14 જુલાઈ દરમિયાન જ 12,874 દર્દી સારવાર માટે આવ્યા હતા. જેમાંથી 1360ને દાખલ કરવા પડ્યા હતા. સામાન્ય દિવસોમાં ઓપીડીમાં વાઈરલ ઈન્ફેક્શનના અંદાજે 1500થી 1600 કેસ આવતાં હોય છે. પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી ચાલી રહેલા ભેજવાળા વાતાવરણને કારણે ઓપીડીની સંખ્યા લગભગ 2 હજાર કેસ સુધી પહોંચી ગઈ છે. એક અઠવાડિયામાં જ ઓપીડીમાં આવતાં વાઈરલ ઈન્ફેક્શનના કેસમાં 318નો વધારો થયો છે.
દરમિયાન ખાનગી હોસ્પિટલોની ઓપીડીમાં પણ આવી રહેલા કેસમાં સૌથી વધુ કેસ 2થી માંડી 11 વર્ષ સુધીના બાળકોના છે. ખાનગી હોસ્પિટલોના ડોક્ટરોનું કહેવું છે કે, ભેજવાળા વાતાવરણ ઉપરાંત બેવડી ઋતુને કારણે બાળકો અને વૃદ્ધો સૌથી પહેલાં શિકાર બને છે. કારણ કે, તેમની રોગપ્રતિકારક શક્તિ પ્રમાણમાં ઓછી હોય છે. ડોક્ટરોએ આ સિઝનમાં જંકફૂડ કે બહારના ખાદ્યપદાર્થો નહીં લેવાની સલાહ આપી છે. તેમના મતે બાળકમાં આવા લક્ષણ દેખાય તો જાતે ઉપચાર કરવાને બદલે ડોક્ટરનો સંપર્ક કરવામાં આવે તો પરિસ્થિતિ બગડતી અટકાવી શકાય છે.
બાળકોને બહારનું ફાસ્ટ ફૂડ અને જંકફૂડ ખવડાવવાનું બંધ કરવું જોઇએ.
પાણી ઉકાળીને પીવડાવવું જોઇએ, ઘરમાં રાંધેલો ગરમ ખોરાક જ આપવો, તીખા, તળેલા અને ઠંડા પદાર્થોથી બાળકોને દૂર રાખવા જોઇએ, ડાયેરિયા-વોિમટિંગ અને હાઇગ્રેડ ફીવર આવતો હોય તો ડોકટરની સલાહ મુજબ તાત્કાલિક દવા ચાલુ કરવી જોઇએ.
