ગઠિયાએ દાગીના ખરીદ્યા બાદ 1.27 લાખનું પેમેન્ટનો સ્ક્રીન શોટ બતાવ્યો

અમદાવાદમાં વેપારીઓ સાથે છેતરપિંડી કરનારા લોકો વધુ પ્રમાણમાં સક્રિય થઈ ગયાં છે. ઓનલાઈન પેમેન્ટ અને મેસેજનો સ્ક્રિન શોટ મોકલીને વેપારીઓ સાથે વિશ્વાસઘાત કરનારાની ફરિયાદોનું પ્રમાણ વધી રહ્યું છે. શહેરમાં એક સોની વેપારી પાસેથી 1.24 લાખના દાગીના લઈને તેના પૈસા આપવા માટે ગલ્લાંતલ્લાં કરનારા ગ્રાહક સામે વેપારીએ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

દાગીના ખરીદી ઓનલાઈન પેમેન્ટ કરવા કહ્યું

શહેરના મેમનગર વિસ્તારમાં જ્વેલર્સનો ધંધો કરનાર પ્રતિક શાહે ફરિયાદ નોંધાવતા કહ્યું હતું કે, અમારી દુકાને રૂષિલ શાહ નામનો વ્યક્તિ આવ્યો હતો અને તેણે 1.47 લાખની કિંમતના ત્રણ દાગીના ખરીદ્યાં હતાં. આ રૂષિલ શાહે ફરિયાદીને ઓનલાઈન પેમેન્ટ કરશે એમ કહીને પેમેન્ટ કરવાની પ્રોસેસ કરી હતી. ત્યારબાદ લિમિટ પૂરી થઈ ગઈ હોવાનું કહીને તેણે ફરિયાદી પાસે બેંક એકાઉન્ટ નંબર માંગ્યો હતો અને તેમાં પેમેન્ટ કરવા કહ્યું હતું. જેથી ફરિયાદીએ તેને એકાઉન્ટ નંબર આપ્યો હતો. ત્યારબાદ રૂષિલ શાહે તેમને પેમેન્ટ થયાના સ્ક્રીનશોટ અને મેસેજ મોકલ્યો હતો. રૂષિલ શાહ ફરીવાર ફરિયાદીની દુકાને ગયો હતો અને દસ ગ્રામની સોનાની લગડી લેવાની વાત કરી હતી. તેણે આ વખતે પણ પેમેન્ટ કર્યાનો સ્ક્રીન શોટ મોકલી આપ્યો હતો.

સ્ક્રીનશોટની તપાસ કરતા ભાંડો ફૂટ્યો

ફરિયાદીના ખાતામાં પૈસા જમા નહીં થતાં તેને લગડી આપી નહોતી. ફરિયાદીએ તેને પેમેન્ટ ના મળે ત્યાં સુધી દુકાનમાં બેસાડી રાખ્યો હતો. પરંતુ તેણે કોરો ચેક આપતાં વેપારીએ તેને જવા દીધો હતો. ફરિયાદીએ રૂષિલ શાહે મોકલી આપેલા સ્ક્રીન શોટની તપાસ કરતાં માલુમ પડ્યું હતું કે, તે ખોટા છે. ત્યાર બાદ રૂષિલ શાહે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. ફરિયાદી તેના ઘરે ગયાં તો રૂષિલ શાહના માતા પિતાએ તેમને એક વીટી પરત આપી હતી અને બાકીના દાગીના રૂષિલના મિત્ર પાસે છે, એ આવે એટલે આપીશું એવો વિશ્વાસ આપતાં ફરિયાદી તેના ઘરેથી નીકળી ગયાં હતાં.

વેપારીએ ફોન કરતા ધમકી આપી

ત્યારબાદ ફરીવાર તપાસ કરતાં ઘરે કોઈ મળ્યું નહોતુ અને રૂષિલ શાહે ફોન પર એવી ધમકી આપી હતી કે, તમારા રૂપિયા નહીં મળે, જે થાય તે કરી લો. ત્યારબાદ ફરીવાર ઘરે સંપર્ક કરતાં તે ઘરને તાળુ મારીને જતો રહ્યો હતો. જેથી ફરિયાદીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Leave a comment