હવે મહારાષ્ટ્રના નાસિકમાં બનશે સુખોઈ 30 ફાઈટર જેટ

તાજેતરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાની બે દિવસીય મુલાકાતે ગયા હતા. મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે કયા-કયા મુદ્દે ચર્ચાઓ થઈ હતી, એની બધી વિગતો તો બહાર નથી આવી, પણ ભારતીયો ખુશ થઈ જાય એવા એક રોમાંચક સમાચાર જરૂર આવ્યા છે. અને તે એ કે સુખોઈ Su-30 ફાઈટર જેટ હવે ભારતના નાસિક શહેરમાં બનશે.

નાસિકમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની ફેક્ટરીમાં Su-30 ફાઈટર જેટ બનાવવામાં આવશે. ભારતમાં બનેલા ફાઈટર જેટ બીજા દેશોને વેચવામાં આવશે. સુખોઈ Su-30 ફાઈટર જેટનો ઉપયોગ મિડલ ઇસ્ટ, આફ્રિકા, એશિયા અને દક્ષિણ અમેરિકાના ઘણા દેશોની વાયુસેના દ્વારા કરવામાં આવે છે.

  • સુખોઈ શ્રેણીના ફાઇટર વિમાનોનો સમાવેશ વિશ્વના સૌથી શક્તિશાળી ફાઈટર જેટ્સમાં થાય છે. સુખોઈ એક મલ્ટિ-રોલ કોમ્બેટ એરક્રાફ્ટ છે, જે ‘હવાથી જમીન’ અને ‘હવાથી હવામાં’ યુદ્ધ લડી શકે છે. પોતાની ઝડપ એકદમ વધારીને કે ઘટાડીને આકાશી ખેલ ખેલવામાં સુખોઈનો જોટો જડે એમ નથી. હવાઈ કળાબાજી કરીને એ દુશ્મનને છેતરીને તેમના પર હુમલો કરી શકવા સક્ષમ છે.
  • Su-30ની લંબાઈ 72 ફૂટ છે, પાંખોનો ફેલાવો 48.3 ફૂટ છે, ઊંચાઈ 20.10 ફૂટ છે અને વજન 18,400 કિલોગ્રામ છે.
  • Su-30માં Lyulka L-31FP આફ્ટરબર્નિંગ ટર્બોફન એન્જિન લાગેલું છે, જે વિમાનને 123 કિલોન્યુટનની શક્તિ આપે છે. એ મહત્તમ 2120 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે. એની રેન્જ 3000 કિમી છે. જો હવામાં ઇંધણ પૂરવાની સગવડ મળી જાય તો 8000 કિમી સુધી જઈ શકે છે. Su-30 57 હજાર ફૂટની ઊંચાઈ સુધી ઉડી શકે છે.
  • Su-30 30mm ગ્રિજેવ-શિપુનોવ ઓટોકેનનથી સજ્જ છે, જે એક મિનિટમાં 150 રાઉન્ડ ફાયર કરે છે. દુશ્મનનું વિમાન, ડ્રોન કે હેલિકોપ્ટર એની ધાણીફૂટ તોપથી છટકી શકતું નથી. 
  • Su-30માં 12 હાર્ડ પોઈન્ટ છે. (હાર્ડપોઇન્ટ એટલે પ્લેનના માળખાકીય ફ્રેમ પરનું એવું જોડાણ-સ્થાન જેના પર મિસાઇલ જેવી વજનદાર ચીજો લટકાવી કે ભેરવી શકાય છે.) એના પર 4 પ્રકારના રોકેટ, 4 પ્રકારની મિસાઈલ અને 10 પ્રકારના બોમ્બ તૈનાત કરી શકાય છે. 
  • Su-30ની વજન વહન કરવાની ક્ષમતા અદ્ભુત છે. તે કુલ 8130 કિલોગ્રામ વજનના હથિયારો ઉપાડી શકે છે. તેમાં બ્રહ્મોસ મિસાઈલ પણ તૈનાત કરી શકાય છે, એટલે કે એમ કહી શકાય કે Su-30ને કારણે ભારતીય મિસાઈલનું માર્કેટ પણ હજુ વધારે વિકસી શકે છે.
  • Su-30નો પ્લસ પોઇન્ટ છે એની ફ્લેક્સિબિલિટી. આ એવું ફાઇટર જેટ છે જેમાં વિવિધ દેશો તેમની જરૂરિયાત મુજબ ફેરફાર કરી શકે છે. જે-તે દેશની ભૌગોલિક સ્થિતિ અનુસાર ફેરફાર કરી શકાતો હોવાથી આ જેટની માંગ દુનિયાભરના દેશોમાં છે.

Leave a comment