5 જુલાઈએ લોન્ચ થયેલુ બજાજ ફ્રીડમ 125 બાઈક એ વિશ્વનું પ્રથમ CNG બાઈક છે. પેટ્રોલ અને સીએનજી બંને ઇંધણનો વિકલ્પ ધરાવતા આ બાઈકના લોન્ચિંગ સમયે કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ હાઇવે મંત્રી નીતિન ગડકરી પણ હાજર હતા. તેમણે આ બાઈકની પ્રશંસા કરતા તેને ગેમ ચેન્જર ગણાવ્યું છે.
બજાજ ઓટોએ આ બાઇકને કોમ્યુટર સેગમેન્ટમાં લોન્ચ કર્યું છે. પરંતુ ટીમે આ બાઇકના લુક અને ડિઝાઇન પર શાનદાર કામ કર્યું છે. પરંતુ બાઇકને પહેલી જોતા મનમાં પહેલો પ્રશ્ન એવો આવશે કે કંપનીએ બાઈકમાં CNG સિલિન્ડર ક્યાં મૂક્યું છે?
બજાજ ઓટોના દાવા મુજબ બાઈક 785MMની સૌથી લાંબી સીટ ધરાવે છે. જે આગળના ભાગમાં ફ્યુઅલ ટાંકીને ઘણી હદ સુધી આવરી લે છે. આ સીટ નીચે સીએનજી સિલિન્ડર મૂકવામાં આવ્યું છે. જે 2 કિલોની કેપેસિટી ધરાવે છે. તેમજ સિલિન્ડરનું વજન 16 કિલો છે. આ બાઈકને એક મજબૂત ટ્રેલીસ ફ્રેમ આપવામાં આવી છે જે તેને લાઇટ અને મજબૂત બનાવે છે.
પેટ્રોલ અને સીએનજી બંને પર ચાલતા આ બાઈકમાં એક બટન દબાવતા જ ફ્યુઅલ મોડ બદલાઈ જશે. તેમજ આ બાઈકના કારણે બળતણ ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે અને આ સાથે જ તે કાર્બન ઉત્સર્જનમાં પણ ઘટાડો કરશે.
125cc ક્ષમતાનું પેટ્રોલ એન્જિન ધરાવતા આ બાઈકનું એન્જિન 9.5PSનો પાવર અને 9.7Nmનો ટોર્ક જનરેટ કરે છે. મુખ્યત્વે CNG પર ચાલતું બાઇક હોવાથી કંપનીએ તેમાં માત્ર 2 લીટરની પેટ્રોલ ફ્યુઅલ ટેન્ક આપી છે. જે એક રીતે રિઝર્વ ફ્યુઅલ તરીકે કામ કરશે.
કંપનીએ દાવો કર્યો છે કે આ બાઇક સંપૂર્ણ ટાંકીમાં (પેટ્રોલ + CNG) 330 કિમી સુધીની ડ્રાઇવિંગ રેન્જ આપે છે. જે 1 કિલો સીએનજીમાં 102 કિમી અને 1 લિટર પેટ્રોલમાં 67 કિમીની માઈલેજ આપે છે.
