ભૂજ સ્થિત ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (GAIMS) અને જી.કે જનરલ હોસ્પિટલ કચ્છના કાયાકલ્પમાં વર્ષોથી અનોખુ યોગદાન આપી રહી છે. આરોગ્ય, શિક્ષણ અને રોજગારી ક્ષેત્રે આ સંસ્થાઓનું યોગદાન ઉડીને આંખે વળગે છે. આવશ્યક આરોગ્ય સેવાઓ પૂરી પાડવાથી લઈને અદ્યતન તબીબી તકનીકોને અપનાવવા સુધી હોસ્પિટલે શ્રેષ્ઠતાની દીવાદાંડી બની અનેક નવા સીમાચિહ્નો હાંસલ કર્યા છે. અસંખ્ય જરૂરિયાતમંદ પરિવારોને આ હોસ્પિટલમાં વિનામૂલ્યે અદ્યતન તબીબી સુવિધાઓ સાથે નવજીવન મળ્યા છે.
2001ના એ વિનાશક ભૂકંપના માર બાદ બેઠી થયેલી જી.કે. જનરલ હોસ્પિટલનું સંચાલન 2009 થી અદાણી જૂથ સંભાળી રહ્યું છે. ભારતની સૌ પ્રથમ PPP મોડલની આ હોસ્પિટલ તેની ક્ષિતિજોને વિસ્તારવા તત્પર છે. કચ્છમાં અવારનવાર ભૂકંપના આંચકાઓને ધ્યાને રાખી ‘બેઝ આઇસોલેશન’ ભૂકંપ પ્રૂફ ટેક્નોલોજી સાથે નિર્માણ પામેલી છે, એટલે તે 9 રિક્ટર સ્કેલ સુધીના ધરતીકંપનો આંચકો સહન કરી શકે છે. અત્યાધુનિક સુવિધાઓથી સુસજ્જ આ હોસ્પિટલ આજે અસંખ્ય દર્દીઓનો આધારસ્તંભ બની અડીખમ ઉભી છે.
G.K. જનરલ હોસ્પિટલ કચ્છ જિલ્લામાં એકમાત્ર મલ્ટી-સ્પેશિયાલિટી આધુનિક શિક્ષણ હોસ્પિટલ છે. જિલ્લામાં સૌ પ્રથમ NABH (નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર હોસ્પિટલ્સ એન્ડ હેલ્થકેર પ્રોવાઈડર્સ) માન્યતા પ્રાપ્ત હોસ્પિટલ GAIMS 17 થી વધુ ક્લિનિકલ વિશેષતાઓ ધરાવે છે. જેમાં 760 થી વધુ બેડ, 14 ઓપરેશન થિયેટર્સ, વિવિધ સઘન સંભાળ એકમો ICU, ICCU, PICU, NICU, RICU, MICU, SICU, OICU, 1.5 ટેસ્લા MRI મશીન સાથે આધુનિક રેડિયોલોજી કેન્દ્ર, મલ્ટિ-સ્પેશિયાલિટી ટીચિંગ હોસ્પિટલ માટે સ્લાઈસ સીટી સ્કેન મશીન સહિત માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ છે.
તાજેતરમાં અત્યાધુનિક મોડ્યુલર ઓપરેશન થિયેટર (MOT) અને નવા સંવર્ધિત ડાયાલિસિસ સેન્ટર જેવી સુવિધાઓ સાથે GAIMS હેલ્થકેર એક્સેલન્સનું કેન્દ્ર સાબિત થયું છે. જિલ્લાના એકમાત્ર NABH માન્ય ડાયાલિસિસ સેન્ટરમાં દર્દીઓને આરામજનક સુવિધાઓ મળી રહે તે માટે હવે ડાયાલિસિસ વિભાગને ઈમરજન્સી વિભાગ નજીક ખસેડવામાં આવ્યો છે. જેમાં દર મહિને 800 થી વધુ દર્દીઓને PMJAY (પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના) હેઠળ વિનામૂલ્યે સેવાઓ લઈ રહ્યા છે.
