જી. કે. જન. અદાણી હોસ્પિ.માં ગેઇમ્સ  દ્વારા નવજાતને લાગતા ઇન્ફેક્શન સામે રક્ષણ આપવા યોજાઈ કોન્ફ

જી.કે.જનરલ અદાણી હોસ્પિટલમાં ગેઇમ્સ અંતર્ગત બાળરોગ વિભાગ દ્વારા નવજાત શીશુમાં  જોવા મળતા ચેપ(ઇન્ફેક્શન)ની સામે સજ્જડ સુરક્ષા કવચ પૂરું પાડવાના ઉપાયો અને સારવાર માટે આયોજિત કોન્ફરન્સમાં રાજ્ય સ્તરના પીડિયા તજજ્ઞોએ માર્ગદર્શન આપ્યું હતું. કચ્છના બાળરોગ નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા.

ગેઈમ્સના મેડિકલ ડાયરેક્ટર ડો.બાલાજી પિલ્લાઈએ સ્વાગત કરી વર્તમાન સમયમાં આવા આયોજનનો હેતુ તબીબોના જ્ઞાનમાં વૃદ્ધિ કરી સારવાર વધુ સઘન બનાવવાનો છે એમ જણાવ્યું હતું.

જી.કે.ના કોન્ફરન્સ હોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં જયપુરના ડો.ગુંજનાકુમારે નવજાતમાં ચેપ ઘટાડવાની પ્રથમ શરત સાફ સફાઈને ગણાવી જણાવ્યું કે, ડિલિવરી પહેલાં અને પછી માતાની શારીરિક સફાઈ આવશ્યક છે. તબીબોએ પણ હેન્ડ વોશ સામગ્રી સહિતના ઉપાયો તરફ વિશેષ ધ્યાન આપવાની સલાહ આપી હતી. તેમણે નવજાતને માતા સાથે રાખવાથી પણ બાળકને ચેપ સામે રક્ષણ મળે છે એમ ઉમેર્યું હતું.

ચેન્નાઈના ડો.મની કુમારે ઇન્ફેકશનના લક્ષણો અંગે જણાવ્યું કે, બાળકોમાં આવું સંક્રમણ વિશિષ્ટ હોય છે. શરીરમાં સોજા, તાવ, ઝાડા, ઉલ્ટી વિગેરેથી પણ ઇન્ફેકશનનો ખ્યાલ આવી જાય છે. જ્યારે ગાંધીધામના ડો.વિકાસ ગોયેલે સંક્રમણ સામે સારવાર ઉપર પ્રકાશ પાડ્યો હતો.

જી.કે. ના બાળરોગ નિષ્ણાત ડો. સંદીપ ટીલવાણીએ જણાવ્યું કે, વયસ્કો, યુવાનોની સરખામણીમાં બાળકોને ચેપ વધુ લાગતો હોવાથી સાવધ રહેવું જરૂરી છે.

આ પ્રસંગે બાળરોગ વિભાગના હેડ ડો.રેખાબેન થડાની, હેડ ઓફ  મેડિકલ એડમિન ડો.સ્વપ્નિલ તેમજ બાળરોગ નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a comment