ગરમ, ભેજ અને વર્ષા મિશ્રિત વાતાવરણમાં અનેક રોગ મ્હોં ફાડીને સામે આવે છે. આવો એક સેલ્યુલાઈટીસ જેને માંસ પેશીના સોજાનો રોગ પણ કહે છે.તેનો વ્યાપ વધી જાય છે. જી. કે. જનરલ અદાણી હોસ્પિટલમાં આવા એટલે કે, સેલ્યુલાઈટીસ જેવા રોગના રોજ બે થી ત્રણ કેસ આવે છે.જેમાં મોટાભાગના પગની માંસ પેશીમાં સોજાના હોય છે.
ક્યારેક તો તેનો સડો એટલો વધી જતો હોય છે કે પગને કાપવાની પણ નોબત આવતી હોય છે.જી.કે. માં ગયા એકજ અઠવાડિયે આવા ૪ કેસમાં પગ કાપવા પડે તેટલો વિકાર થઈ ગયો હતો. જેમાં દર્દીને ડાયાબિટીસનું પ્રમાણ વધુ હતું.
આમ તો સેલ્યુલાઈટીસ એ ત્વચાનો બેક્ટેરિયલ ચેપ છે, જે ત્વચાની નીચેની પેશીમાં ફેલાય છે. શરીરના કોઈપણ ભાગમાં થઈ શકે છે. પણ પગમાં વિશેષ જોવા મળતો હોય છે.તેમાંય ડાયાબિટીસ હોય તેમને જોખમ વધુ હોવાથી જી.કે.ના સર્જનો સાવધ રહેવાની સલાહ આપે છે.
જી.કે.ના સર્જન ડો. આદિત્ય ડી. પટેલના જણાવ્યા મુજબ સામાન્ય રીતે આ રોગ પગમાં વાગવું, જીવાત કરડી જવી અને પછી તેમાં ચેપ લાગે છે અને જો તેનું સમયસર નિદાન ન થાય તો વધી શકે છે. આવા કેસમાં પગ જલ્દી શિકાર બની જાય છે. પગની આજુબાજુ સોજો પણ વધી જાય છે અને રસી નો ફેલાવો પણ થઈ શકે છે. આ સ્થિતિ જોવા મળે તો તબીબ પાસે સારવાર લેવી હિતાવહ છે. જો ડાયાબિટીસ હોય તો ઢીલાશ કરવી જોખમી બને છે.કારણકે વેળાસર રૂઝ નથી આવતી.
ડો. યસ પટેલના જણાવ્યા મુજબ આ રોગના લક્ષણો જેમ કે સોજા સાથે એ ભાગ લાલ થઈ જાય છે અને ત્યાં ખૂબ પીડા થાય અને શરીરનો અસરગ્રસ્ત ભાગ ગરમ પણ થઈ જાય છે. તાવ, શરદી, ધ્રુજારી, પરસેવો, ઉલટી, ઉબકા આવે અને ક્યારેક એ સોજાવાળા વિસ્તારમાં ફોલ્લા પણ પડી જતા હોય છે. આવું જણાય તો તુરંત ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
સેલ્યુલાઈટીસનું નિદાન દર્દીના ઇતિહાસ અને રક્ત પરીક્ષણથી થાય છે, જો તબીબને જણાય કે સેલ્યુલાઈટીસ છે તો તેની ગંભીરતા મુજબ સારવાર અપાય છે.જેટલું વહેલું નિદાન એટલી સારવાર ઝડપી થાય છે.
