કચ્છી નવું વર્ષ એટલે ‘અષાઢી બીજ’. આ દિવસના આવવાની કલ્પના માત્રથી જ દરેક કચ્છીઓના હૈયા આનંદોલ્લાસથી થનગની ઉઠે છે. જેમ દુલેરાય કરાણીએ કહ્યું હતું કે, “કચ્છડો ખેલે ખલક મેં જી મહાસાગર મેં મચ્છ, જીત જીત હેકડો કચ્છી વસે આંતે ડિયા ડિ કચ્છ” તેમ દુનિયાના દરેક ખૂણે વસતા કચ્છી માડુ આ દિવસે એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે. કચ્છી નયે વરે – અષાઢી બીજ જા મેડે કચ્છી ભા ભેંણે કે લખ લખ વધાઇયુ સાથે કચ્છીઓ એકબીજાને આ દિવસે નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે.
કચ્છ પોતે એક આગવો અને વિશેષ પ્રદેશ છે ત્યારે તેનું નવવર્ષ પણ વિશેષ દિવસે અને વિશેષ રીતે ઉજવવામાં આવે છે. રાજાશાહી સમયથી જ અષાઢ સુદ બીજના દિવસને કચ્છી લોકો નવા વર્ષ તરીકે ઊજવે છે. રાજાશાહીથી અત્યાર સુધી કચ્છી નવા વર્ષની ઉજવણીની રીત બદલાઈ છે. પરંતુ ઉજવણી કરવાની પરંપરા અને માતૃભૂમિ પ્રત્યેની અખૂટ ભાવના આજે પણ યથાવત છે.
કચ્છની ધરા માટે મેઘરાજા મહામૂલ્ય ગણાય છે. કચ્છીઓને અષાઢી બીજ ઉપર અતિ ભરોસો અને તેથી જ તો કહેવત પડી છે કે, “અષાઢી બીજ વંડર કા વીજ” અહીં એક માન્યતા એવી પણ છે કે જો આ દિવસે મેઘરાજાની પધરામણી થાય તો શુકનવંતુ ગણાય છે. આવા પવિત્ર તહેવારની ઉજવણી જયારે સમગ્ર કચ્છીઓ વિશ્વભરમાં હર્ષોલ્લાસ સાથે કરે છે.
બાળકો પણ આવા પાવન પર્વની ઉજવણીમાં ભાગ લઈને કચ્છની સંસ્કૃતિ, કચ્છનો વારસો અને કચ્છના ઇતિહાસથી પરિચિત થઈને સાંસ્કૃતિક ગુણોનો વિકાસ કરે. પ્રાચીન સંસ્કૃતિ અને સાહિત્યમાં ભવિષ્યના ઉત્તમ સર્જક બને એવી ભાવનાથી અદાણી વિદ્યા મંદિર, ભદ્રેશ્વર ખાતે અષાઢી બીજ અર્થાત કચ્છી નવાવર્ષની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. શાળાના આ મહોત્સવમાં ધોરણ ૪ થી ૧૦ સુધીના કુલ ૪૫ વિધાર્થીઓએ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેમાં ૫૭૦ જેટલા વિધાર્થીઓએ આ કાર્યક્રમને નિહાળ્યો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન ડૉ. પૂર્વીબેન ગોસ્વામી અને અતિથિ વિશેષ કરશનભાઈ ગઢવી કાર્યક્રમમાં જોડાઈ કાર્યક્રમની રોનક વધારી.
કાર્યક્રમ દરમિયાન નાના બાળકો દ્વારા કચ્છી સમૂહગીત, કચ્છી નૃત્ય, કચ્છની સંસ્કૃતિ ઉજાગર કરતું કચ્છી નાટક અને સમૂહ નૃત્ય દ્વારા ખમીરવંતી ધરતીને ગૌરવ અપાવવાની ભાવનાને ઉજાગર કરતો આ કાર્યક્રમ આનંદોલ્લાસ સાથે કરવામાં આવ્યો હતો. બાળકોના જોશ, સંસ્કૃતિ પ્રત્યેનું ગૌરવ તેમજ માતૃભૂમિ પ્રત્યેની પૂજનીય સંવેદનાઓ જોઈ દરેક ભાવવિભોર થઈ ગયેલ. બાળકોનો ઉત્સાહ જોઈ કાર્યક્રમ બાદ કરશનભાઈ ગઢવીએ કચ્છના ઈતિહાસ વિશે વાત કરીને બાળકો સમક્ષ કચ્છી સાહિત્યની ઝાંખી કરાવવામાં આવી. તદુપરાંત પધારેલ મુખ્ય મહેમાન પૂર્વીબેન ગોસ્વામીએ વિશ્વ પ્રસિદ્ધ મહિલાઓ તેમજ વિશ્વમાં પ્રસિદ્ધ બનેલ શ્રેષ્ઠ કચ્છીઓની જીવનકથા દ્વારા બાળકોને ઉચ્ચ અને શ્રેષ્ઠ જીવન જીવવા માટે પ્રેરિત કર્યા.
કાર્યક્રમની વિશેષતા એ હતી કે સમગ્ર કાર્યક્રમ કચ્છી બોલીમાં જ અને માત્ર વિદ્યાર્થીઓ દ્વારા જ તૈયાર કરવામાં આવેલ હતો.
દરેક નવા વિચારો, નવા જુસ્સા અને નૂતન સંસ્કૃતિનું નિર્માણ કરવાની પ્રેરણા અને વિચાર સાથે છૂટા પડયા.
