હાલ ગુજરાત સરકાર ફટાફટ નિર્ણયો કરવા લાગી છે. 3 જુલાઈ, 2024ના રોજ 24700 શિક્ષકોની ભરતીનો નિર્ણય કર્યા બાદ હવે સરકારી કર્મચારીઓ માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓને સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં 4 ટકા વધારાનો લાભ તા. 1 જાન્યુઆરી 2024થી આપવાની જાહેરાત કરી છે. આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ 4.71 લાખ કર્મયોગીઓ અને અંદાજે 4.73 લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સને મળવાપાત્ર થશે. આમ આ નિર્ણયનો લાભ 9.44 લાખ પેન્શનર્સ-કર્મચારી લાભ થશે.
જાન્યુઆરી-ફેબ્રુઆરીનો તફાવત જુલાઈના પગારમાં મળશે
મોંઘવારી ભથ્થાની 6 માસની એટલે કે 1 જાન્યુઆરી 2024 થી 30 જૂન 2024 સુધીની તફાવતની રકમ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે. તદાનુસાર, જાન્યુઆરી-2024 તથા ફેબ્રુઆરી-2024 મહિનાની તફાવતની રકમ જુલાઈ-2024ના પગાર સાથે, માર્ચ અને એપ્રિલ-2024ની તફાવતની રકમ ઓગસ્ટ-2024ના પગાર સાથે તેમજ મે અને જૂન-2024ના મોંઘવારી ભથ્થાની એરિયર્સની રકમ સપ્ટેમ્બર-2024ના પગાર સાથે કર્મયોગીઓને ચૂકવવામાં આવશે.
સરકાર 1129.51 કરોડ ચૂકવશે
રાજ્ય સરકાર આ એરિયર્સ પેટે કુલ મળીને 1129.51 કરોડ રૂપિયાની કર્મચારીઓને ચુકવણી કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ કર્મચારી હિતકારી નિર્ણયના અમલ માટે નાણાં વિભાગ દ્વારા જરૂરી આદેશો કરવા અંગેની પણ સૂચનાઓ આપવામાં આવી છે.
મોંઘવારી ભથ્થું શું છે?
મોંઘવારી ભથ્થું એવું નાણું છે, જે સરકારી કર્મચારીઓને મોંઘવારી વધવા છતાં તેમનું જીવનધોરણ જાળવી રાખવા માટે આપવામાં આવે છે. આ નાણાં સરકારી કર્મચારીઓ, જાહેર ક્ષેત્રના કર્મચારીઓ અને પેન્શનધારકોને આપવામાં આવે છે. દેશની વર્તમાન મોંઘવારી પ્રમાણે દર 6 મહિને તેની ગણતરી કરવામાં આવે છે. એ સંબંધિત પગાર ધોરણના આધારે કર્મચારીઓના મૂળ પગાર અનુસાર ગણવામાં આવે છે. શહેરી, અર્ધ-શહેરી અથવા ગ્રામીણ વિસ્તારોમાં કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું અલગ હોઈ શકે છે.
મોંઘવારી ભથ્થું કેવી રીતે ગણવામાં આવે છે?
મોંઘવારી ભથ્થું નક્કી કરવા માટે એક ફોર્મ્યુલા આપવામાં આવી છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ફોર્મ્યુલા છે [(છેલ્લા 12 મહિનાના ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (AICPI)ની સરેરાશ – 115.76)/115.76]×100. હવે જો આપણે PSU (પબ્લિક સેક્ટર યુનિટ)માં કામ કરતા લોકોના મોંઘવારી ભથ્થા વિશે વાત કરીએ, તો તેની ગણતરીની પદ્ધતિ છે- મોંઘવારી ભથ્થાંની ટકાવારી = (છેલ્લા 3 મહિનાના ગ્રાહક ભાવ સૂચકાંકની સરેરાશ (બેઝ વર્ષ 2001 = 100)- 126.33) )x100
